ઈલેક્શન પોલમાં ૪૧ પોઈન્ટ સાથે ટોરી પાર્ટી મોખરેઃ લેબરને ૨૪ પોઈન્ટ

બોરિસ જ્હોન્સને પણ લેબર નેતા જેરેમી કોર્બીનની સરખામણીએ પોતાની લોકપ્રિયતા વધારી

Wednesday 06th November 2019 01:39 EST
 
 

લંડનઃ યુકેમાં સામાન્ય ચૂંટણી માટે પ્રચારનો આરંભ થઈ રહ્યો છે ત્યારે The Ipsos MORI ના સર્વે અનુસાર સપ્ટેમ્બર પછી ટોરી પાર્ટીએ આઠ પોઈન્ટની સરસાઈ સાથે ૪૧ પોઈન્ટ મેળવ્યા છે જ્યારે, લેબર પાર્ટીને બીજા સ્થાને માત્ર ૨૪ પોઈન્ટ મળ્યાં છે. ટોરી અને લેબર પાર્ટી વચ્ચે ૧૭ પોઈન્ટની ખાઈ છે. મતદારોના અભિપ્રાય મતદાન મુજબ લિબરલ ડેમોક્રેટ્સ (૨૦), બ્રેક્ઝિટ પાર્ટી (૦૭), ગ્રીન પાર્ટી ૦૩ પોઈન્ટ ધરાવે છે. જૂન ૨૦૧૮ પછી કન્ઝર્વેટિવ પાર્ટીનો આ સૌથી મોટો હિસ્સો છે તેમજ એપ્રિલ ૨૦૧૭ પછી ૧૭ પોઈન્ટની સૌથી વધુ સરસાઈ મેળવી છે.

આ જ ગાળામાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ લેબર નેતા જેરેમી કોર્બીનની સરખામણીએ પોતાની લોકપ્રિયતા વધારી છે. બ્રેક્ઝિટ મુદ્દાને હાથ ધરવામાં બોરિસની કુશળતા અને મક્કમતા આગળ આવી છે. જ્હોન્સનની કામગીરીથી ૪૬ ટકાએ સંતોષ અને ૪૪ ટકા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. ૧૦માંથી આઠ કરતા વધુ ટોરી સમર્થકો જ્હોન્સને યુરોપિયન યુનિયનમાંથી યુકેના બહાર નીકળવાના મુદ્દે કરેલી કામગીરીથી ખુશ છે. વડા પ્રધાને શાળા, હોસ્પિટલ અને પોલીસ યુનિટની મુલાકાત સાથે પ્રચારને આરંભ કર્યો હતો. તેમણે NHS, શિક્ષણ અને ક્રાઈમ સહિત લોકોની પ્રાથમિકતાઓ પૂર્ણ કરવાની ખાતરી ઉચ્ચારી હતી.

જોકે, છેલ્લી ઘડી સુધી અસમંજસમાં રહેલા કોર્બીનની લોકપ્રિયતા તળિયે બેઠી છે. માત્ર ૧૫ ટકા મતદારો તેમની કામગીરીથી ખુશ હતાં જ્યારે, ૭૫ ટકા લોકો નાખુશ છે. ૧૦માંથી આઠ લોકોએ કોર્બીને બ્રેક્ઝિટ સહિતના મુદ્દે નકામી કામગીરી કર્યાનું જણાવી નાખુશી વ્યક્ત કરી છે. કોર્બીનના ઈયુતરફી કે ઈયુવિરોધી સમર્થકોએ તેમની કામગીરીની પ્રશંસા કરી નથી. લેબર પાર્ટીના અડધાથી વધુ સમર્થકો પણ બ્રેક્ઝિટ મુદ્દે તેમના વલણથી નારાજ છે. કોર્બીને બેટરસીની રેલીમાં પ્રચારનો આરંભ કરી છ મહિનામાં બ્રેક્ઝિટ મુદ્દો હલ કરવાની ખાતરી ઉચ્ચારી હતી.

લિબરલ ડેમોક્રેટ્સના નેતા જો સ્વિન્સન અને બ્રેક્ઝિટ પાર્ટીના નાઈજેલ ફરાજના રેટિંગ્સ માઈનસમાં રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter