ઈસાબંધુ ૨૭ પેટ્રોલ સ્ટેશન વેચીને પણ અસ્ડા ચેઈન ખરીદવા તૈયાર

Wednesday 12th May 2021 06:32 EDT
 
 

લંડનઃ બિલિયોનેર પેટ્રોલ સ્ટેશન ટાઈકૂન ભાઈઓ ઝૂબેર અને મોહસીન ઈસા સુપરમાર્કેટ ચેઈન અસ્ડાને ૬.૮ બિલિયન પાઉન્ડમાં હસ્તગત કરવાના સૌથી મહત્ત્વાકાંક્ષી  પ્રોજેક્ટમાં આગળ વધી રહ્યા છે અને કોમ્પિટિશન રેગ્યુલેટરે દર્શાવેલી ચિંતાના સંદર્ભમાં ૨૭ પેટ્રોલ સ્ટેશન વેચવાની ઓફર કરી છે. ઈસા બંધુએ ફાસ્ટ ફૂડ ચેઈન લીઓન ખરીદી છે અને હવે તેમની નજર કાફે નીરો ચેઈન પર છે.

જોકે, યુએસ રિટેઈલ જાયન્ટ વોલમાર્ટ પાસેથી અસ્ડા સુપરમાર્કેટ ચેઈન ખરીદવા સાથે તેની હસ્તકના ૩૨૩ પેટ્રોલ સ્ટેશન પણ ઈસા બંધુ અને તેમના પ્રાઈવેટ ઈક્વિટી પાર્ટનર TDRની સહિયારી માલિકીના EG Groupના ૩૯૫ પેટ્રોલ સ્ટેશન સાથે એક જ માલિકી હેઠળ આવી જશે. આ બે ફર્મના નેટવર્ક ૩૬ ક્ષેત્રોમાં તેમજ ઓટો- LPG નામે ઓળખાતા ચોક્કસ પ્રકારના ફ્યૂલના ક્ષેત્રમાં એકબીજાને ઢાંકી દેનારા હોવાની ચિંતા કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA)એ જણાવ્યું હતું. રેગ્યુલેટરની ચિંતાને દૂર કરવા EG Group દ્વારા ૨૭ પેટ્રોલ સ્ટેશન વેચવાની ઓફર થઈ છે.

CMAએ જણાવ્યું છે કે તેની ચિંતા દૂર કરવા ૨૭ પેટ્રોલ સ્ટેશન વેચવાની ઓફરને સ્વીકારવા યોગ્ય કારણ છે. ઓથોરિટીએ આખરી નિર્ણય જાહેર કર્યો નથી પરંતુ, દેખીતી રીતે જ ૬.૮ બિલિયન પાઉન્ડ ટેઈકઓવરને લીલી ઝંડી મળી ગઈ છે. આ ખરીદી માટે ઈસા બંધુ અને TDR ૭૮૦ મિલિયન પાઉન્ડની રોકડ ઉપરાંત, ૭૪૯ મિલિયન પાઉન્ડની લોન્સ અને ૩.૫ બિલિયન પાઉન્ડના નવા બોન્ડના દેવાં સહિત ભંડોળ ઉભું કરશે. અસ્ડાના વર્તમાન માલિક વોલમાર્ટ દ્વારા લઘુમતી હિસ્સો જાળવવા ૫૦૦ મિલિયન પાઉન્ડનો ફાળો અપાયો છે. EG Group અસ્ડાના પેટ્રોલ સ્ટેશન્સ ૭૫૦ મિલિયન પાઉન્ડમાં ખરીદશે. બીજી તરફ, મોહસીન અને ઝૂબેર ઈસાએ જણાવ્યું હતું કે તેમની યોજના ૯૫૦ મિલિયન પાઉન્ડમાં અસ્ડાના ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ વેચવાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter