લંડનઃ ઈસ્ટએન્ડર્સમાં શબનમ મસૂદની ભૂમિકા માટે જાણીતી બનેલી સોપસ્ટાર અભિનેત્રી રાખી ઠક્કર રેઈનબોઝ હોસ્પિસમાં પ્રેરણાદાયી પરિવારો અને સ્ટાફની મુલાકાતે ગઈ હતી ત્યારે તે પોતાનાં મૂળિયા તરફ વળી હોવાનો અનુભવ થયો હતો. તેણે લફબરોસ્થિત હોસ્પિસમાં બાળકો અને યુવા લોકો સાથે એક દિવસની મુલાકાત માટે વ્યસ્ત સમયપત્રકમાંથી ખાસ સમય કાઢ્યો હતો.
લેસ્ટરના સેન્ટ મેથ્યુઝ એસ્ટેટમાં ઉછરેલી અને હાલ લંડનમાં નિવાસ કરતી ૩૧ વર્ષીય અભિનેત્રીએ આર્ટ્સ અને ક્રાફ્ટ્સની પ્રવૃતિમાં બાળકોને સાથ આપ્યો હતો. તેના માનમાં આયોજિત ટીવી ક્વિઝ કાર્યક્રમમાં પણ તે ઉત્સાહથી સામેલ થઈ હતી અને રેઈનબોઝ કોઈર દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમને માણ્યો હતો. તેણે ઓટોગ્રાફ્સ આપવા સાથે તસવીરો પણ પડાવી હતી.
સગર્ભાવસ્થાની સ્ટોરીલાઈન સાથે બીબીસી વન કાર્યક્રમમાં મહત્ત્વપૂર્ણ પાત્ર ધરાવતી રાખી ઠક્કરે જણાવ્યું હતું કે, ‘ બાળકો અને યુવાવર્ગ સાથે મુલાકાત ઘણી અદભૂત રહી. આ મારાં માટે શ્રેષ્ઠ દિવસ હતો. હોસ્પિસમાં આટલી ખુશીની મેં ધારણા રાખી ન હતી. ખરેખર, આ એવું સ્થળ છે, જ્યાં પરિવારો સ્મરણો બનાવી શકે છે. ’ તેણે એમ પણ કહ્યું હતું કે ‘ જીવનના આખરી પડાવ પરની તેમજ જીવન સીમિત બનાવતી હાલત સાથેના બાળકોની સારસંભાળ રાખતી કેર ટીમની કામગીરીથી તે પ્રભાવિત થઈ છે.’
રાખીએ ડોક્ટર્સ, હોલ્બી સિટી અને પીપ શો જેવી લોકપ્રિય ટીવી સીરીયલ્સમાં ભૂમિકાઓ કરવા સાથે બ્રિટિશ-એશિયન ડ્રામા ક્લાઉડ 9માં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં ઈસ્ટએન્ડર્સમાં ભૂમિકા મેળવી હતી.