લંડનઃ ઈસ્લામને સેતાનિક ગણાવતા વિવાદાસ્પદ બોધપ્રવચન આપવાના કેસમાં ક્રિશ્ચિયન પાદરી પેસ્ટર જેમ્સ મેકકોનેલને નિર્દોષ ઠરાવાયા છે. નોર્ધર્ન આયર્લેન્ડની બેલફાસ્ટ મેજિસ્ટ્રેટ્સ કોર્ટના જજે પાદરીને ‘'offend, shock or disturb’નો અધિકાર હોવાનું જણાવ્યું હતું . ડિસેમ્બરમાં ત્રણ દિવસની ટ્રાયલમાં પાદરીએ પોતાના બચાવમાં કહ્યું હતું કે તેમનો ઈરાદો કોઈને ઉશ્કેરવા, દુઃખ પહોંચાડવા કે અપમાનનો ન હતો. આમ છતાં, ક્રિશ્ચિયન સંદેશનો ઉપદેશ કરવાનો તેમને કોઈ પસ્તાવો પણ નથી. તેમની સામે ૨૦૦૩ના કોમ્યુનિકેશન્સ એક્ટ હેઠળ કામ ચાલી રહ્યું હતું.
ચુકાદો આપતા જજ લીઆમ મેકનેલીએ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રવચન તિરસ્કારપાત્ર હોય છતાં અપમાનકારકથી વધુ ન હોય તો તેને ગુનાઈત ન ઠરાવવામાં અદાલતોએ કાળજી લેવી જોઈએ. અપમાનકારી ઉચ્ચારણોને સેન્સર કરવાનું કાર્ય ક્રિમિનલ કાયદા હસ્તક નથી. આ મુજબ પેસ્ટર મેકકોનેલ બે ગુનામાં દોષિત જણાતા નથી.’ ઇવેન્જેલિકલ પાદરી સામે જાહેર ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન્સ નેટવર્કના દુરુપયોગ અને તેના દ્વારા સખત અપમાનકારી સંદેશો ફેલાવવાનો આરોપ લગાવાયો હતો.
મે ૧૮ ૨૦૧૪ના દિવસે પાદરી મેકકોનેલે આપેલા પ્રવચનમાં ઈસ્લામને ‘નર્કમાંથી પેદા થયેલા સિદ્ધાંત’ તરીકે ગણાવ્યા ઉપરાંત, તેઓ મુસ્લિમોનો વિશ્વાસ કરતા ન હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉચ્ચારેલા શબ્દો અપમાનજનક હોવાં છતાં ‘અતિશય અપમાનકારી’ મર્યાદા સુધીના હતા. જજે કહ્યું હતું કે પાદરી ઉત્સાહમાં આવેશથી તણાઈ ગયા હતા. તેઓ સમગ્ર વિશ્વને ઉપદેશ આપી રહ્યા ન હતા. પાદરીએ કહ્યું હતું કે તેઓ મુસ્લિમોના નહિ પરંતુ તેમની વિચારધારા અને માન્યતાના વિરોધી છે.


