લંડનઃ બ્રિટિશ ISIS ફાઈટરની મદદથી યુકેના હવાઈથાણામાં કાર્યરત અમેરિકી સૈનિકો પર લી રિગ્બી સ્ટાઈલના હુમલા માટે કાવતરું ઘડનારા ઈસ્લામિક ઉગ્રવાદી જુનૈદ ખાનને કિંગ્સટન ક્રાઉન કોર્ટે આજીવન કારાવાસની સજા કરી હતી, જેમાં ઓછામાં ઓછાં ૧૨ વર્ષ માટે જેલમાં રહેવું પડશે. તેના કાકા શાઝીબ ખાનને પણ ત્રાસવાદ સંબંધિત અન્ય ગુનામાં કુલ ૧૩ વર્ષની સજા ફરમાવાઈ હતી.
લૂટનનો અને મૂળ બાંગલાદેશી જુનૈદ ખાન ઈસ્ટ એંગ્લીઆમાં યુએસ સૈનિકો પર જેહાદી જ્હોને ઉપયોગમાં લીધેલા ચાકુ જેવા શસ્ત્રથી હુમલો કરવા માગતો હતો. જુનૈદ અને તેના કાકા શાઝીબ ખાને ISISમાં જોડાવા સીરિયા જવાની તૈયારી કરવાનો બીજો ગુનો પણ આચર્યો હતો. જુનૈદને ત્રાસવાદના અન્ય ગુના માટે દોષિત ઠરાવાયો હતો.


