ઈસ્લામિક એજ્યુકેશન સેન્ટર એન્ડ મોસ્ક ચેરિટી સામે કમિશનની તપાસ

Tuesday 08th February 2022 15:09 EST
 

લંડનઃ ચેરિટી કમિશને સમયસર એકાઉન્ટ્સ ફાઈલ નહિ કરનારી સંડરલેન્ડની ચેરિટી ઈસ્લામિક એજ્યુકેશન સેન્ટર એન્ડ મોસ્ક સામે સકંજો કસી સ્ટેટ્યુટરી ઈન્ક્વાયરી આરંભી છે. આ ચેરિટીએ પાંચ વર્ષ સુધી સમયસર હિસાબો રજૂ કર્યા ન હતા. કમિશન સમક્ષ હાલ ફાઈલ કરાયેલા દસ્તાવેજો અનુસાર ગત પાંચ વર્ષ દરમિયાન ચેરિટીની આવક ૭૭,૦૦૦ પાઉન્ડથી માંડી ૧૧૮,૦૦૦ પાઉન્ડ સુધીની હતી,

ઈસ્લામિક એજ્યુકેશન સેન્ટર એન્ડ મોસ્ક ચેરિટીના ૨૦૧૮,૨૦૧૯ અને ૨૦૨૦ના વર્ષ માટેના હિસાબોના સંદર્ભે ‘ડબલ ડીફોલ્ટર્સ’ ક્લાસની ઈન્ક્વાયરી શરૂ કરાઈ હતી. તેના ૨૦૧૭ના હિસાબો પણ મોડાં ફાઈલ કરાયા હતા. કમિશને બાકી હિસાબોના દસ્તાવેજો જુલાઈ ૨૦૨૦ સુધીમાં ફાઈલ કરવા આદેશ કર્યો હતો પરંતુ, ચેરિટીએ આખરે ૨૦૨૧ના ડિસેમ્બરમાં આદેશનું પાલન કર્યું હતું. વર્તમાન નાણાકીય વર્ષના હિસાબો રજૂ કરવામાં પણ વિલંબ કરાયો છે.

ઈન્ક્વાયરી જાહેર કરતા કમિશને નિવેદનમાં જણાવ્યું હતું કે આવશ્યક હિસાબી દસ્તાવેજો સમયસર રજૂ કરવામાં ચેરિટીની નિષ્ફળતા વારંવારની રહી છે. ગત ડિસેમ્બરમાં ફાઈલિંગ પહેલા ચેરિટીએ કાનૂની રીતે નાણાકીય માહિતી આપવાની થાય તે ત્રણ વર્ષ સુધી આપી નથી. પબ્લિક તરફ જવાબદારી અને પારદર્શિતાની ફરજ નિભાવવામાં ટ્રસ્ટીની નિષ્ફળતા ગંભીર બાબત છે.

વર્ષ ૨૦૧૩માં રજિસ્ટર્ડ કરાયેલી સંડરલેન્ડની ચેરિટી ઈસ્લામિક એજ્યુકેશન સેન્ટર એન્ડ મોસ્કના ચાર ટ્રસ્ટી છે જેમની નિયુક્તિ ૨૦૧૨માં થઈ હતી. ચેરિટી સુવિધાઓ અને શિક્ષણ પૂરાં પાડીને ઈસ્લામિક આસ્થાનો પ્રસાર કરવાના સખાવતી હેતુઓ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter