ઈસ્લામી આતંકવાદ વિરુદ્ધ બ્રિટિશ એશિયનો એક જૂથ થયા

- રુપાંજના દત્તા Monday 03rd April 2017 10:35 EDT
 
 

લંડનઃ વેસ્ટમિન્સ્ટરમાં ૨૨ માર્ચે થયેલા હુમલામાં પાંચ લોકો માર્યા ગયા અને ૪૦ લોકો ઘવાયા. આ ઘટનાથી સમગ્ર દેશ રાષ્ટ્ર શોકમાં ગરકાવ થઈ ગયો. આ હુમલાને વખોડી કાઢવામાં એશિયન કોમ્યુનિટીના લોકો સંગઠિત થયા મુસ્લિમો દ્વારા આતંકવાદ વિરુદ્ધ માર્ચ તેમજ મંદિરો તથા ગુરુદ્વારામાં પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. ભારે પ્રત્યાઘાતોની અપેક્ષાના અણસાર સાથે બ્રિટનની એશિયન કોમ્યુનિટીને લાગ્યું હતું કે ધર્મઝનૂનીઓ દ્વારા તેમને પણ લક્ષ્ય બનાવવામાં આવશે.

પાર્લામેન્ટ, વેસ્ટમિન્સ્ટર બ્રીજ અને આસપાસની સ્ટ્રીટ્સ શ્રદ્ધાંજલિ રૂપે મૂકાયેલા પુષ્પોથી ભરાયેલી હતી. આ આંતકી હુમલાના પીડિતોની સાથે હોવાનું દર્શાવવા વિવિધ ક્ષેત્રની મહિલાઓએ ગત રવિવારે વેસ્ટમિન્સ્ટર બ્રીજ પર માનવસાંકળ રચી હતી. લંડનમાં યોજાયેલી વિમેન માર્ચમાં હિંદુ, શીખ અને ક્રિશ્ચિયન સહિત સમાજના વિવિધ વર્ગના લોકો જોડાયા હતા. ઘણાં લોકોએ આશાના પ્રતીક સમા વાદળી રંગના પોષાક ધારણ કર્યા હતા.

મહિલા માનવસાંકળમાં સર્બીટનના ૪૦ વર્ષીય GP ફરીહા ખાન પણ હતા. તેમણે જણાવ્યું,‘ બુધવારે અહીં જે કાંઈ બન્યું તેના પછી લોકોની લાગણી મજબૂત હતી. અમે અહીં અમારી માફક ઉભા રહેલા અને માર્યા ગયેલા સામાન્ય લોકો વિશે વિચારતા હતા. એહમદીયા મુસ્લિમ કોમ્યુનિટીના પણ ઘણાં લોકો હતા.

સિટી વર્કર જસપ્રીત સિંહે જણાવ્યું,‘ હું યુકેમાં જન્મ્યો અને ઉછર્યો છું. નોર્થમાં શ્વેત સમાજમાં. મારી પાઘડીને લીધે હું અલગ જ તરી આવતો હતો. પરંતુ, મને મારી ઓળખ અથવા મારા જીવને કદી કોઈ ખતરો ન હતો. ૭/૭ પછી મને સ્ટ્રીટ્સમાં બીન લાદેન સહિત કોણ જાણે કેટલુંય સંભળાવવામાં આવ્યું છે. મને કેટલીક વખત જીવનું જોખમ લાગે છે. કોઈ અજાણી વ્યક્તિ રોડ પર ક્યાંક મને મુસ્લિમ સમજીને મારા પર હુમલો કરે. હું એવું નથી કહેતો કે તેમણે મુસ્લિમો પર હુમલા કરવા જોઈએ. પરંતુ, જાન ગુમાવવાના ભય સાથે જીવવું ખૂબ અઘરું છે.’

મનજીત ગિલે જણાવ્યું,‘ મારો ધર્મ પ્રારંભથી જ નિર્દોષ લોકો પર થતા અત્યાચાર અને અન્યાય સામે લડવાનું શીખવે છે. તે જ ખરો શીખ ધર્મ છે. પરંતુ, આપણા સમાજમાં જ દુશ્મનો હોય તો તેમની સાથે કેવી રીતે લડવું ? કોઈ અજાણી વ્યક્તિની પહેલી પ્રતિક્રિયા એવી જ હોય કે આતંકી જેવા દેખાતા લોકોની હિંસા કરવી અને આ માન્યતાનો પ્રતિકાર કેવી રીતે કરવો ?

સાહિરા અખ્તરે જણાવ્યું,‘ લોકો ઈસ્લામના નામે હત્યા કરે છે. આવી ઘટનાઓમાં અમારું નામ ખરડાય છે તે શરમજનક છે. અમારો ધર્મ ભગવાનના નામે હત્યા કરવાનું જણાવતો નથી.’

સાંસદો, ઉમરાવો અને કોમ્યુનિટી નેતાઓના પ્રતિભાવ

લંડનના ભારતીય મૂળના ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું,‘ વેસ્ટમિન્સ્ટર પર ગયા સપ્તાહે થયેલા આતંકી હુમલાના સંદર્ભમાં નાગરિકોએ જે સંકલ્પ અને સંયમ જાળવી રાખ્યો તેના વિશે લંડનના ડેપ્યુટી મેયર ઓફ બિઝનેસ તરીકે મને ગૌરવ અને આદર છે. આપણા પાટનગરની પ્રતિક્રિયા એ દર્શાવતી હતી કે અમે આતંકવાદથી ડરીશું નહિ. આપણે એક સાચા લંડનવાસીને છાજે તેવી રીતે એકતા અને સંગઠિતતા દર્શાવ્યા.’

પ્રીતિ પટેલ MPએ નિવેદનમાં જણાવ્યું હતું કે,‘ વેસ્ટમિન્સ્ટરની આતંકી ઘટના ભયાવહ અને આઘાતજનક હતી. મારી પ્રાર્થના અને વિચારો હુમલાના મૃતકો અને ઈજાગ્રસ્ત પીડિતોના પરિવારો અને સંબંધીઓની સાથે છે. તમામ ઘટનાઓની ઝીણવટભરી તપાસ થઈ રહી છે અને આંતકવાદ સામે આપણે હારીશું નહિ તે દર્શાવવા આપણે સૌ સંગઠિત છીએ. હિંમત દર્શાવવા બદલ અને ઝડપી કાર્યવાહી કરવા માટે હું પોલીસ, ઈમરજન્સી સર્વિસીસ અને મેડિકલ સ્ટાફની પ્રશંસા કરું છું. લોકોને મદદ તથા તેમનું રક્ષણ કરવા માટે તેમણે પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા. હું PC કીથ પાલ્મરને હિંમત અને બહાદૂરી દર્શાવવા બદલ શ્રદ્ધાંજલિ અર્પવા સાથે તેમના પરિવારને સાંત્વના પાઠવું છું.’

લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું હતું,‘ ગત બુધવારનો આતંકી હુમલો હાઉસ ઓફ લોર્ડ્સની બપોરની સેશન શરૂ થવાની હતી તેના થોડાક સમય પહેલા જ થયો હતો. અમારી ચેમ્બર તરત જ સીલ કરી દેવાઈ હતી અને હું થોડા કલાકો માટે પાર્લામેન્ટમાં પૂરાયેલો રહ્યો હતો. સીક્યુરિટી સર્વિસીસ ઘટના કેટલી ગંભીર અને મોટી હતી તેનો ક્યાસ કાઢી રહી હતી તેથી સૌ પ્રથમ તો મર્યાદિત માહિતી જ મળી હતી. ધીમે ધીમે અમને ચેમ્બરમાંથી બહાર લાવીને સ્પીકર્સ કોર્ટ અને ત્યાંથી વેસ્ટમિન્સ્ટર હોલ અને આખરે વેસ્ટમિન્સ્ટર એબે લઈ જવાયા હતા. સાંસદો, ઉમરાવો અને કેબિનેટ મિનિસ્ટર્સ સૌ ત્યાં એકત્રિત હતા. સૌએ તે સ્થળને લંડનમાં અમારું આખરી આશ્રયસ્થાન ગણાવ્યું હતું. આ પરિસ્થિતિ દહેશત ઉભી કરે તેવી હતી. જોકે, છેવટે તો વેસ્ટમિન્સ્ટર બ્રીજ પરથી પસાર થતા મુલાકાતીઓ અને ખાસ કરીને ‘નખશીખ હિરો’ પોલિસ કોન્સ્ટેબલ કિથ પાલ્મર તથા અન્ય લોકોને તેની કિંમત ચૂકવવી પડી હતી. અમારા વિચારો અને પ્રાર્થના લોકશાહી પર થયેલા આ કાયરતાપૂર્ણ હુમલાના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. તેમના દુઃખની આ ઘડીમાં સમગ્ર બ્રિટિશ ભારતીયો અને બ્રિટિશ હિંદુ કોમ્યુનિટી ખભેખભા મિલાવીને સાથે રહ્યા હતા. આપણો વિશ્વાસ ડગાવવા અને આતંક દ્વારા આપણા સમુદાયમાં ભાગલા પડાવવાનો પ્રયાસ કરનારા લોકો માટે આપણો એક સીધો સાદો સંદેશ છેઃ અમે ડરતા નથી.’

શૈલેષ વારા MPએ જણાવ્યું હતું,‘ આપણે લોકશાહીના આ કેન્દ્ર અને દસ દેશોના નાગરિકો પર થયેલો હુમલો જોયો. તેના પરથી આપણે એ શીખ લેવાની જરૂર છે કે પશ્ચિમી દેશો અને આપણે સૌ જે મૂલ્યોનું જતન કરીએ છીએ તેના પરનો આ હુમલો એ દૂષિત વિચારધારાનો છે. એટલું જ નહિ તે વિચારધારાવિશ્વભરના લોકોની જીવનપદ્ધતિનો વિનાશ કરવાના ઈરાદાસરની છે. હું આશા રાખું છું કે આ દૂષણનો સામનો કરવા માટે આપણે સૌએ આપણા સંકલ્પને બમણો કરવો જ પડશે તેવો સંદેશો તમામ શિષ્ટ અને શાલીન દેશોને પહોંચશે.’

લોર્ડ મેઘનાદ દેસાઈએ જણાવ્યું હતું કે હું સવારે ૮.૪૫ વાગે ઉપડતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભારત જવા માટે નીકળ્યો હતો. અમારી ફ્લાઈટ અદેલ્ફી પહોંચી ત્યારે સ્થાનિક સમય મુજબ મધરાત પછી હું હેમખેમ છું કે નહિ તેની પૃચ્છા કરતા મિત્રોના સંદેશા મોબાઈલમાં આવ્યા હતા. શું થયું હતું તેની ખબર મને ટીવી ચાલુ કર્યા પછી પડી હતી. મને થયું કે તે લોન વુલ્ફ એટેક જ હોવો જોઈએ.’ એશિયનો વિશે અથવા તો તેમને કોઈ પ્રત્યાઘાતોનો સામનો કરવો પડશે કે કેમ તેના વિશે તેમણે જણાવ્યું હતું ,‘ એશિયનોને પ્રત્યાઘાતોનો સામનો કરવો પડશે તેવું હું માનતો નથી. ઈમિગ્રન્ટ્સ વિશેના પ્રચલિત પૂર્વગ્રહથી લોકો આતંકવાદને અલગ પાડી શકે. પૂર્વગ્રહ ખૂબ ઓછો છે. બ્રેક્ઝિટ પરિણામો પછી પણ એશિયનો પરના હુમલા અગાઉ ‘૭૦ કે ‘૮૦ના દાયકામાં થતા હતા તેવા નથી.’

વીરેન્દ્ર શર્મા MPએ જણાવ્યું હતું,‘ આપણી લોકશાહી ક્ષણભરમાં પડી ભાંગે તે જોવુ અને આપણા દેશના હાર્દ સમા શહેર પર આતંક હૂમલો કરી શકે તે જોવાનું ખૂબ કંપાવનારું હતું. જોકે, હું લોકોના જીવ બચાવીને તેમને સુરક્ષિત રાખવાની પોતાની ફરજ સુપેરે નિભાવનારા સીક્યુરિટી અને ઈમરજન્સી સર્વિસીસના તમામ સભ્યોનો આભાર માનું છું. આપણે કોઈ વ્યક્તિની તર્કહીન વર્તણુંકને ક્યારેય સાવધાનીપૂર્વક અટકાવી શકીએ નહિ પરંતુ, આપણે સાવધાન રહીએ તે મહત્ત્વનું છે. આપણે સૌએ અલગ અને ભયભીત થયા વિના અડગ રહીને એક કોમ્યુનિટી તરીકે સંગઠિત રહેવું જ જોઈએ. આપણે તરત જ કોઈ તારણ પર ન પહોંચવુ જોઈએ. આપણને ધીક્કારતા લોકોના સ્તર સુધી છેક નીચે પહોંચી જવું ન જોઈએ. બ્રિટિશ લેબર MP તરીકે હું તમામ લોકોનું જેમની જાતિ કે ધર્મ ગમે તે હોય તેવા તમામનું પ્રતિનિધિત્વ કરું છું. કોઈ વ્યક્તિના ઘૃણાયોગ્ય અને કાયરતાપૂર્ણ કૃત્યો આપણા સંબંધોને ધર્મના નામે રંગી જાય તેવું થવું જોઈએ નહિ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter