લંડનઃ હાઉસિંગ સેક્રેટરી માઇકલ ગોવ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો અંતર્ગત જરૂરીયાતમંદોને કાઉન્સિલના મકાનો ઉપલબ્ધ બની રહે તે માટે સરકાર વધુ આવક ધરાવતા લોકોને કાઉન્સિલના મકાનો ભાડા પર લેતા અટકાવવા પ્રતિબંધ લાદી શકે છે. ગોવ અત્યારે એક કાયદો લાવવા પર કામ કરી રહ્યાં છે જે અંતર્ગત નવા સોશિયલ મકાનો ભાડે લેવા માટે દેશવ્યાપી પગાર મર્યાદા નક્કી કરાશે. તેનો અર્થ એ થયો કે ઉચ્ચ આવક ધરાવતા લોકોને કાઉન્સિલના મકાનો ભાડા પર નહીં અપાય.
તાજેતરમાં જારી કરાયેલા આંકડા અનુસાર કાઉન્સિલના મકાનો ભાડા પર લેનારા 1,86,000 પરિવારની આવક 50,000 પાઉન્ડ કરતાં વધુ છે. જોકે આ પગાર મર્યાદા કેટલી હશે તે અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ પરિવારના બંને મુખ્ય કમાઉ સભ્યોની આવકને લક્ષમાં રાખીને મર્યાદા નક્કી કરાશે.
જોકે આ નવા પ્રસ્તાવો હાલમાં ઉચ્ચ આવક ધરાવતા કાઉન્સિલ મકાનોના ભાડુઆતો પર અસર નહીં કરે. તેવી જ રીતે પગાર વધારાના કારણે આવકની મર્યાદા વટાવી જનારા લોકોને પણ મકાન ખાલી કરવાની ફરજ નહીં પડાય.
માઇકલ ગોવ સમાજ વિરોધી વર્તન કરનારા પર પણ કાઉન્સિલ મકાન ભાડે લેવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ લાવી રહ્યાં છે.

