લંડનઃ લંડનમાં સાયન્સ મ્યુઝિયમ ખાતે આયોજિત સમારોહમાં ભારત, પાકિસ્તાન, બ્રિટન, અમેરિકા, યુએઇ અને જમૈકાના 20 યુવાઓને ડાયના એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. જેમાં નવી દિલ્હી સ્થિત વીજકાપમાં મદદ મળી શકે તેવું સંશોધન કરનાર સંશોધક, માનસિક આરોગ્ય ક્ષેત્રે કામ કરનાર હરિયાણાની એક્ટિવિસ્ટ અને દુબઇ સ્થિત વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે. પ્રિન્સ વિલિયમ દ્વારા ઉદય ઇલેક્ટ્રિકના સ્થાપક ઉદય ભાટિયા, હ્યૂઝ ઓફ ધ માઇન્ડ ફાઉન્ડેશનના સ્થાપક માનસી ગુપ્તા અને સ્પન્કગોના સ્થાપક નેત્રા વેંકટેશને એવોર્ડ એનાયત કરાયાં હતાં.
આ પ્રસંગે પોતાની માતા લેડી ડાયનાને શ્રદ્ધાંજલિ આપતાં પ્રિન્સ વિલિયમે જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની કેટ મારી માતાના વારસાને જાળવી રાખવા પ્રતિબદ્ધ છીએ. તેમના સન્માનમાં સ્થપાયેલી ચેરિટી દ્વારા થઇ રહેલા કાર્યને જોઇને તેઓ ઘણું ગૌરવ અનુભવતા હશે.
લંડનમાં સાયન્સ મ્યુઝિયમ ખાતે આયોજિત સમારોહમાં બોલતાં પ્રિન્સ વિલિયમે જણાવ્યું હતું કે, મારી માતાએ શિક્ષણ આપ્યું હતું કે જરૂરીયાતમંદોની સહાય કરો. 25 વર્ષ પહેલાં સમાજ અને માનવતા માટે યોગદાન આપતા યુવાઓને સન્માનિત કરવા સ્વ.પ્રિન્સેસ ડાયનાની સ્મૃતિમાં ડાયના એવોર્ડનો પ્રારંભ કરાયો હતો.