લંડનઃ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે ઇમિગ્રેશન ઘટાડવાનું વચન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હું ઇમિગ્રેશન ઘટાડી દઇશ. હું કામદારોને ઓછો પગાર ચૂકવતા અથવા તો વિદેશી કામદારોને નોકરી પર રાખવા નિયમો તોડતી કંપનીઓ અને વેપાર ધંધા પર પ્રતિબંધ લગાવી દઇશ. અમે ઇમિગ્રેશનને સ્કીલ પોલિસી સાથે સાંકળી લઇશું જેથી જે સેક્ટરોમાં સ્કીલ્ડ વર્કર વિઝાની વધુ માગ હશે તેમાં બ્રિટિશ કામદારોને તાલીમ આપી શકાય.
બીજીતરફ બિઝનેસ ગ્રુપો અને લેબર પાર્ટીને સૌથી વધુ સપોર્ટ કરતા યુનિયનો પૈકીના એકે જણાવ્યું છે કે બ્રિટનને વિદેશી કામદારોની અત્યંત જરૂર છે. બિઝનેસ ગ્રુપોએ જણાવ્યું હતું કે, બ્રિટિશ કામદારોની સ્કીલ્સ સુધારવા માટે લેબર પાર્ટીએ યોગ્ય યોજનાઓ રજૂ કરવી જોઇએ.
જીએમબી યુનિયનના વડા ગેરી સ્મિથે જણાવ્યું હતું કે, દેશના અર્થતંત્રને માઇગ્રન્ટ વર્કરોની જરૂર છે. આપણા અર્થતંત્રમાં માઇગ્રેશન અતિ મહત્વનો હિસ્સો છે. જનતા આશા રાખે છે કે સરકાર માઇગ્રેશનનો મુદ્દો યોગ્ય રીતે હાથ ધરે. હું માઇગ્રેશન અને ઇમિગ્રેશન વચ્ચેના વિભાજનકારી એજન્ડાથી ચિંતિત છું.
સીબીઆઇના મેથ્યૂ પર્સિવલે જણાવ્યું હતું કે, ઉદ્યોગ અને વેપાર જગત ઇચ્છે છે કે તમામ રાજકીય પાર્ટીઓ કામદારોની અછત હળવી કરવા અને આર્થિક વિકાસ આગળ ધપાવવા યોગ્ય યોજનાઓ રજૂ કરે.
વિદેશી કામદારો રાખતા બિઝનેસ પર ટેક્સ લાદવા રિફોર્મ યુકેની માગ
લંડનઃ રિફોર્મ યુકે પાર્ટીએ વિદેશી કામદારોને નિયુક્ત કરતી બ્રિટિશ કંપનીઓ પર ટેક્સ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પાર્ટીએ રજૂ કરેલા ચૂંટણી પ્રસ્તાવ અનુસાર બ્રિટિશ કંપનીઓએ વિદેશી કામદારો માટેના નેશનલ ઇન્શ્યુરન્સ પેટે હાલના 13.8 ટકાના સ્થાને 20 ટકા ચૂકવવા જોઇએ. રિફોર્મ નેતા રિચર્ડ ટાઇસે જણાવ્યું હતું કે, આ યોજનાના કારણે યુકેને સસ્તા વિદેશી લેબરના વ્યસનમાંથી મુક્ત કરાવી શકાશે. પાર્ટીએ જણાવ્યું હતું કે, હેલ્થ કેર અને સોશિયલ કેર માટે પાંચ કે તેથી ઓછા લોકોને રોજગાર આપતા બિઝનેસને આ ટેક્સમાંથી મુક્તિ અપાશે.

