લંડનઃ આ ઉનાળામાં દાદા-દાદીએ સરેરાશ 16 દિવસ સુધી પોતાના પૌત્ર-પૌત્રીની કાળજી લઇને પરિવારોના હજારો પાઉન્ડની બચત કરાવી દીધી છે. એક સરવે અનુસાર દાદા-દાદીની મદદ વિના 60 ટકા માતા-પિતાને ખર્ચાળ ચાઇલ્ડ કેર માટે મોટી રકમ ખર્ચ કરવી પડતી. એક અંદાજ અનુસાર દાદા-દાદીની આ મદદને કારમે યુવા પરિવારો પ્રતિ બાળક સરેરાશ 960 પાઉન્ડની બચત કરી શક્યાં છે.
આ ઉનાળામાં દર 10માંથી 4 દાદા-દાદી તેમના સંતાનો સાથે રહેવા ગયાં હતાં જેથી સંતાનોના સંતાનોની કાળજી લઇ શકાય. પાંચમાંથી એક દાદા-દાદીએ તો પોતાના સંતાનોને ચાઇલ્ડ કેરમાં મદદરૂપ થવા માટે પોતાની નોકરીમાં રજા પણ મૂકી હતી.
એક રિસર્ચ પ્રમાણે દાદા-દાદી તેમના પરિવારોને મદદ કરવાની સાથે ઇકોનોમીને પણ મદદ કરી રહ્યાં છે. તે ઉપરાંત પૌત્ર-પૌત્રીઓને દાદા-દાદીની હૂંફ અને પ્રેમ પણ મળી રહે છે જેનાથી પારિવારિક મૂલ્યોની જાળવણી થાય છે.


