ઉનાળામાં ‘રાઈટ ટુ રીપેર’નો કાયદો

Wednesday 17th March 2021 10:29 EDT
 
 

લંડનઃ આ ઉનાળામાં ઘરવપરાશના સાધનો માટે ‘રાઈટ ટુ રીપેર’નો કાયદો આવી રહ્યો છે. નવા કાયદા હેઠળ ફ્રીજ, વોશેંગ મશીન્સ અને ટેલિવિઝન જેવાં ઉપકરણો લાંબો સમય ચાલવા જોઈએ અને વપરાશમાં સસ્તાં રહે તેવી જોગવાઈ કરાશે. મિનિસ્ટર્સે જણાવ્યું છે કે ઉનાળાથી ગ્રાહકોને તેમણે ખરીદેવા સાધનો માટે રીપેરિંગનો અધિકાર પ્રાપ્ત થશે.

સરકાર ઊર્જાવપરાશ અને બિલ્સમાં કાપ તેમજ નવી સામગ્રીની ખરીદ ઘટાડવાના હેતુ સાથે ઈયુ નિયમોનો અમલ કરાવવા માગે છે. ઘણા ગ્રાહકો માલસામાન ટકાઉ હોતો નથી અને ઘરમાં જ તેનું રીપેરિંગ કરી શકાતું ન હોવાની ફરિયાદ કરે છે. આ કાયદાના પરિણામે, ઉત્પાદકોને સૌપ્રથમ વખત ગ્રાહકોને ઉત્પાદનોના સ્પેર પાર્ટ્સ સરળતાથી મળી રહે તે રીતે ઉત્પાદન કરવું પડશે. નવા નિયમોનો હેતુ પ્રોડક્ટ્સનું આયુષ્ય ૧૦ વર્ષ સુધી લંબાવવાનું છે. સત્તાવાળાના માનવા અનુસાર ઊર્જા કાર્યક્ષમતાના ઉચ્ચ ધોરણો ગ્રાહકોને વાર્ષિક સરેરાશ ૭૫ પાઉન્ડની બચત કરાવશે.

યુકેમાં દર વર્ષે ૧.૫ મિલિયન ટન ઈલેક્ટ્રિકલ વેસ્ટ પેદા થાય છે તેમાં નવા નિયમોથી ઘટાડો થશે તેમજ સમગ્રતયા કાર્બન એમિશન પણ ઘટાડશે. બિઝનેસ અને એનર્જી સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગે જણાવ્યું હતું કે વધુ પ્રમાણમાં ઈલેક્રિટ સાધનો ભંગારના ઢગલામાં ફેંકાય તેના કરતાં રીપેરિંગ કરી શકાય તે માટે ઉત્પાદનના ધારાધોરણો વધુ કડક બનાવવાની અમારી યોજના છે. આનાથી, ગ્રાહકોના ખિસ્સામાં વધુ નાણા પાછા મૂકી શકાશે અને પર્યાવરણનું પણ રક્ષણ કરાશે. કોમન્સની એન્વિરોનમેન્ટલ ઓડિટ કમિટી દ્વારા આ મુદ્દો ઉપસ્થિત કરાયો હતો.

માપદંડો ઊંચા લાવવા આ મહિને નવા એનર્જી લેબલ્સ પણ દાખલ કરાયા છે. ઈયુ દ્વારા દાખલ કરાયેલા એનર્જી એફિસીઅન્સી સ્ટાન્ડર્ડ્સના હિસાબે મોટા ભાગની પ્રોડક્ટ્સ A+, A++ અથવા A+++ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. સરળ સિસ્ટમ A-G સ્કેલ પર આધારિત છે. દરેક ગ્રેડ માટે ઊંચા માપદંડ રખાયા હોવાથી ઘણી ઓછી પ્રોડક્ટ્સ સર્વોચ્ચ A ગ્રૂપમાં પહોંચી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter