ઉબેર ડ્રાઈવર્સને લઘુતમ અને રજાના વેતનનો અધિકાર મળ્યો

Thursday 25th February 2021 05:30 EST
 
 

લંડનઃ UBER ડ્રાઈવર્સનો કાનૂની યુદ્ધમાં ઐતિહાસિક વિજય થયો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસોએ ૧૯ ફેબ્રુઆરીના ચુકાદામાં ઠરાવ્યું હતું કે રાઈડ એપ દ્વારા તેના ડ્રાઈવર્સને કોન્ટ્રાક્ટર્સ નહિ પરંતુ, વર્કર્સ ગણવાના રહેશે. તેમને લઘુતમ અને રજાના વેતનનો અધિકાર મળશે. અત્યાર સુધી ઉબેરના ડ્રાઈવર્સને સેલ્ફ એમ્પ્લોઈડ ગણવામાં આવતા હતા પરિણામે તેમને કાયદા હેઠળ નહિવત્ સુરક્ષા મળતી હતી.

ડ્રાઈવર્સ સાથે ચાર વર્ષ લાંબા કાનૂની યુદ્ધના ત્રણ રાઉન્ડમાં પરાજિત થયા પછી સિલિકોન વેલીસ્થિત કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ, કોર્ટે અપીલ ફગાવી દીધી હતી. ઉબેર ડ્રાઈવર્સની રજૂઆત કરવા GMB યુનિયન દ્વારા રોકાયેલી લો ફર્મે જણાવ્યું હતું કે હવે તેઓ ગુમાવેલા પગારનું વળતર બ્રેક્સ-વિરામ, રજાઓનો પગાર અને લઘુતમ વેતન મેળવવા હકદાર રહેશે.

એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે ઓક્ટોબર ૨૦૧૬માં ઠરાવ્યું હતું કે ઉબેરના ડ્રાઈવર્સ વર્કર્સ છે અને વર્કર્સના અધિકારો મેળવવાને પાત્ર છે. આ પછી એમ્પ્લોયમેન્ટ અપીલ ટ્રિબ્યુનલ અને કોર્ટ ઓફ અપીલ જજીસ દ્વારા પણ ચુકાદાને સમર્થન અપાયું હતું. કંપનીની દલીલ હતી કે ડ્રાઈવર્સ ઉબેર માટે કામ કરતા નથી પરંતુ, સ્વતંત્ર થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટર્સ છે. ઉબેરે જણાવ્યું છે કે તેઓ ચુકાદાને માન આપશે અને યુકેના તમામ એક્ટિવ ડ્રાઈવર્સનો સંપર્ક કરી તેઓ કેવા ફેરફાર ઈચ્છે છે તે જાણશે. અત્યાર સુધી ડ્રાઈવર્સને માંદગી કે રજાઓનું વેતન પણ મળતું ન હતું. આ ચુકાદાથી ઉબેરના ડ્રાઈવર્સમાં રાહતની લાગણી પ્રસરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter