લંડનઃ બ્રિટનમાં ભારતીય મૂળના પ્રતિષ્ઠિત ઉમરાવોમાં સ્થાન ધરાવતા અને યુકેમાં ‘કરી કિંગ’ના ઉપનામે જાણીતા લોર્ડ ગુલામ નૂનનું મંગળવાર, ૨૭ ઓક્ટોબરે ૭૯ વર્ષની વયે નિધન થયું હતું. મુંબઈમાં ચોથી જાન્યુઆરી ૧૯૩૬ના દિવસે મુસ્લિમ પરિવારમાં જન્મેલા ગુલામ કાદરભાઈ નૂને ૨૦૦ મિલિયન પાઉન્ડનું નૂન પ્રોડક્ટસ બિઝનેસ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. બ્રિટનના લોકોને સ્વાદિષ્ટ ‘ચિકન ટિક્કા મસાલા’નો સ્વાદ દાઢે વળગાવાનો યશ લોર્ડ નૂનના બિઝનેસને જાય છે. તેઓ છેલ્લા બે વર્ષથી લિવરના કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. કીમોથેરાપીની સારવારથી તેમની તબિયતમાં થોડો સુધારો જણાયો હતો, પરંતુ ગત છ મહિનામાં તેમનું આરોગ્ય ઘણું કથળ્યું હતું.
તેમના અંતિમ સંસ્કાર બુધવારે લંડનમાં થશે. તેમના માનમાં મંગળવારે સાંજે હાઉસ ઓફ કોમન્સમાં યુકેના સૌથી લોકપ્રિય કરી રેસ્ટોરાંનો નિર્ણય કરનારા ટિફિન કપ ફાઈનલમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. પાર્લામેન્ટમાં બીજી નવેમ્બરે તેમની મેમોરિયલ મીટિંગ યોજવામાં આવનાર છે.
ગુલામ નૂનના પિતા મીઠાઈની દુકાન ચલાવતા હતા અને નૂન સાત વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થતા દુકાન સંબંધી હસ્તક ગઈ હતી. નૂન આ દુકાનમાં કામ કરતા રહ્યા અને ૧૭ વર્ષની વયે તેમણે દુકાન સંભાળી લીધા પછી પાછું વળીને જોયું ન હતું. તેમણે દુકાનને રોયલ સ્વીટ્સ નામ આપી ગ્રાહકો વધાર્યા અને માત્ર ૧૦ વર્ષમાં રોયલ સ્વીટ્સ નિકાસ કરી શકે તેવા સ્થાને પહોંચાડી દીધી હતી. તેમણે ૧૯૬૪માં લંડનનો પ્રથમ પ્રવાસ ખેડ્યો અને શહેરના પ્રેમમાં જ પડી ગયા. તેઓ ખિસામાં માત્ર ૫૦ પાઉન્ડની મૂડી સાથે ૧૯૭૨માં ફરી લંડન આવ્યા અને સાઉથોલમાં મીઠાઈની દુકાન ખોલી હતી. તેમણે ‘બોમ્બે મિક્સ’નું સર્જન કરી ‘બોમ્બે હલવા’ નામની કંપની પણ સ્થાપી હતી. તેમણે ૧૯૮૮માં નૂન પ્રોડક્ટ્સની સ્થાપના કરી ત્યારે તેમની ફેક્ટરીમાં ૧૧ કર્મચારી હતા. માત્ર ૧૪ વર્ષના ગાળામાં વર્કફોર્સ વધીને ૮૦૦નો થયો હતો. ૨૦૦૬ સુધીમાં તો નૂનની અલ્ટ્રા મોર્ડન ફેક્ટરી પોતાના લેબલ્સ ઉપરાંત, સેઈન્સબરી, મોરિસન્સ અને વેઈટરોઝ સહિત સુપરમાર્કેટ્સ માટે ચિકન્સનું પ્રોસેસિંગ કરતી હતી. નૂને બાંધકામ, લક્ઝરી ક્રુઝ લાઈનર્સ, ડાયેટરી સપ્લીમેન્ટ્સ અને એવિયેશન કેટરિંગ ક્ષેત્રોમાં પણ ડાઈવર્સીફિકેશન કર્યું હતું.
સાલસ અને મિલનસાર લોર્ડ નૂન ૨૦૦૬માં મોટા વિવાદમાં ફસાઈ ગયા હતા. હાઉસ ઓફ લોર્ડ્સની કમિટી સમક્ષના દસ્તાવેજોમાં તેમણે લેબર પાર્ટીને આપેલી £૨૫૦,૦૦૦ની લોનનો ઉલ્લેખ દૂર કર્યો હતો. જોકે, તેમણે લેબર પાર્ટીના અન્ય નેતાના કહેવાથી આમ કર્યું હોવાનો ખુલાસો થયો હતો. આમ છતાં, લોર્ડ નૂન અને અન્યોએ નાણા આપી ઉમરાવપદ મેળવવા પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો થયા જ હતા. તેમણે ટ્રાન્સપોર્ટ ફોર લંડન, પ્રિન્સ ટ્રસ્ટ, કેર ઈન્ટરનેશનલ, કેન્સર રીસર્ચ યુકે, ગ્રામીણ ભારતમાં છોકરીઓનાં શિક્ષણ માટેના ટ્રસ્ટ અને જ્યુઈશ-મુસ્લિમ ઈન્ટરફેઈથ ઓર્ગેનિઝેશન સહિત અનેક સંસ્થાઓમાં સેવા આપી હતી. તેમણે શિક્ષણ અને આરોગ્ય પ્રોજેક્ટ્સમાં મદદ માટે ચેરિટેબલ ટ્રસ્ટ નૂન ફાઉન્ડેશનની સ્થાપના પણ કરી હતી.
નવેમ્બર ૨૦૦૮માં મુંબઈની તાજ હોટેલ પર ઈસ્લામિક ત્રાસવાદીઓએ હુમલો કર્યો ત્યારે તેઓ પણ તાજ હોટેલમાં ફસાઈ ગયા હતા. તેમને બચાવી લેવાયા પછી તેમણે ત્રાસવાદની આકરી નિંદા કરી હતી. તેમણે બ્રિટનમાં સાત જુલાઈના બોમ્બહુમલાની ઘટના પછી કટ્ટરવાદી મુસ્લિમ ઉપદેશકો સામે કઠોર પગલાં લેવાની હિમાયત કરી હતી. રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહનો ઉપદેશ કરનારાઓની બ્રિટિશ નાગરિકતા ખૂંચવી લઈ તેઓ જે દેશમાંથી આવ્યા હોય ત્યાં પાછા મોકલી દેવાનું પણ તેમણે કહ્યું હતું. તેમણે ૨૦૦૯માં ‘Noon, with a View: Courage and Integrity’ નામે સંસ્મરણો લખ્યા હતા. તેમણે ૧૯૯૮માં મોહિની કેન્ટ સાથે લગ્ન કર્યા હતા.
યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડનના ચાન્સેલર તરીકે સેવા આપનારા લોર્ડ નૂનના મિત્રોમાં પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પિતા પ્રિન્સ ફિલિપ પણ હતા. તેઓ ક્રિકેટની રમતના ચાહક હતા અને તેમની લંડન ઓફિસ ક્રિકેટ સંબંધિત યાદગાર સંભારણાથી છવાયેલી હતી. લેબર પાર્ટીના દીર્ઘકાલીન સમર્થક અને દાતા લોર્ડ નૂનને આ વર્ષના ફેબ્રુઆરીમાં બ્રિટનના વિપક્ષ દ્વારા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. ગુલામ નૂનને ૧૯૯૬ના ન્યુ યર ઓનર્સ લિસ્ટમાં મેમ્બર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (M.B.E.) બનાવાયા હતા. તેમને પાછળથી ૨૦૦૨ બર્થડે ઓનર્સમાં નાઈટ બેચલર ખિતાબ જાહેર કરાયો અને તે જ વર્ષે ડિસેમ્બરમાં સન્માન અપાયું હતું. તેમને ૨૭ જાન્યુઆરી ૨૦૧૧ના દિવસે લંડનના કામડેન બરોમાં બેરન નૂન ઓફ સેન્ટ જહોન્સ વૂડ તરીકે આજીવન ઉમરાવ ઘોષિત કરાયા હતા અને ૩૧ ડિસેમ્બરે હાઉસ ઓફ લોર્ડ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. લોર્ડ નૂનને ૨૬ એપ્રિલ ૨૦૧૨ના દિવસે યુનિવર્સિટી ઓફ લંડનની ઘટક કોલેજ ફેલો ઓફ બિર્કબેક જાહેર કરાયા હતા.