લંડનઃ કાયદેસરના વિઝા પર યુકે આવેલા વિદેશીઓમાં યુકે છોડીને ચાલ્યા જનારામાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થી અને કામદારોનો સમાવેશ થાય છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર જૂન 2025માં પૂરા થયેલા છેલ્લા એક વર્ષમાં સ્ટડી વિઝા પર આવેલા 45,000 અને વર્ક વિઝા પર આવેલા 22,000 ભારતીય યુકે છોડીને ભારત પરત ચાલ્યા ગયા છે. સ્ટડી અને વર્ક વિઝા સિવાયની અન્ય વિઝા કેટેગરીમાં આવેલા 7,000 ભારતીય પણ યુકે છોડી ચૂક્યાં છે. આમ કુલ 74,000 ભારતીય યુકે છોડીને પોતાના વતનના દેશમાં ચાલ્યા ગયા છે. બીજા ક્રમે 42,000 ચીની નાગરિક યુકે છોડી ચૂક્યા છે.
બીજીતરફ કાયદેસરના ઇમિગ્રેશન વિઝા પર યુકેમાં આવતા વિદેશી નાગરિકોમાં ટોચ પર ભારતીયો જ છે. 90,000 ભારતીયોને સ્ટડી વિઝા અને 46,000 ભારતીયોને વર્ક વિઝા જારી કરાયા હતા. યુકે આવતા વિદેશી નાગરિકોમાં ભારતીયો બાદ પાકિસ્તાની, ચીની અને નાઇજિરિયનની સંખ્યા સૌથી વધુ રહે છે.
2025માં નેટ માઇગ્રેશનમાં તોતિંગ ઘટાડો, 2,04,000 માઇગ્રન્ટ્સ યુકે આવ્યા
જૂન 2025માં પૂરા થયેલા છેલ્લા એક વર્ષમાં યુકેમાં નેટ માઇગ્રેશન ઘટીને 2,04,000 પર આવી ગયું હતું. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે જાહેર કરેલા નવા આંકડા અનુસાર જૂન 2024માં પૂરા થયેલા એક વર્ષમાં નેટ માઇગ્રેશન 6,49,000 નોંધાયું હતું. આમ છેલ્લા એક વર્ષમાં નેટ માઇગ્રેશનમાં 4 લાખથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
બીજીતરફ હોમ ઓફિસ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર સપ્ટેમ્બર 2025માં પૂરા થયેલા છેલ્લા એક વર્ષમાં 1,11,000 માઇગ્રન્ટ્સે રાજ્યાશ્રય માટે દાવા કર્યા છે. આ અગાઉના વર્ષમાં આંકડો 1,11,084 રહ્યો હતો. આમ રાજ્યાશ્રય માટેના દાવાની સંખ્યામાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે.
રાજ્યાશ્રયનો દાવો કરનારા પૈકીના 50 ટકા ગેરકાયદેસર રીતે યુકેમાં આવ્યા હતા. 38 ટકા માઇગ્રન્ટ્સ એવા છે જેઓ અગાઉ કોઇ વિઝા પર યુકે આવ્યા હતા.
યુકેમાં 53,298 ગેરકાયદેસર માઇગ્રન્ટ્સનો કોઇ અતોપતો નથી
યુકેમાં ઇમિગ્રેશન બેઇલનું ઉલ્લંઘન કરી અથવા તો અટકાયતમાંથી બચી ગયેલા 53,000 કરતાં વધુ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ હાલ નાસતા ફરે છે. હોમ ઓફિસના આંકડા અનુસાર જેલ અથવા અટકાયતમાંથી મુક્ત કરાયા બાદ 736 વિદેશી અપરાધી પણ ભાગતા ફરે છે. તેમાંના મોટાભાગના દેશનિકાલનો સામનો કરી રહ્યાં છે. હોમ ઓફિસને 53,298 ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ ક્યાં છે તેની કોઇ જાણકારી નથી. અપક્ષ સાંસદ લોવે માગ કરી છે કે હોમ સેક્રેટરી તાકિદે લાપતા અપરાધીઓને શોધવા કેવા પ્રકારના પગલાં લેવાઇ રહ્યાં છે તેની માહિતી આપે.
ફેબ્રુઆરી 2026થી રાજ્યાશ્રયવાંચ્છુઓના ટેક્સી ઉપયોગ પર પ્રતિબંધ
સરકારે ફેબ્રુઆરી 2026થી રાજ્યાશ્રયવાંચ્છુઓ દ્વારા મેડિકલ એપોઇન્ટમેન્ટ માટે કરાતા ટેક્સીના ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. કેટલાક રાજ્યાશ્રયવાંચ્છુઓ દ્વારા મેડિકલ એપોઇન્ટમેન્ટ માટે 250 માઇલ કરતાં વધુના અંતર માટે ટેક્સીનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. હોમ ઓફિસને એક રાજ્યાશ્રયવાંચ્છુ માટે ટેક્સી ભાડા પેટે 600 પાઉન્ડ ચૂકવવા પડ્યા હતા. સરકારે એક વર્ષમાં રાજ્યાશ્રયવાંચ્છુઓના ટ્રાન્સપોર્ટેશન પર 15.8 મિલિયન પાઉન્ડ ખર્ચ કર્યો હતો.

