ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાનને ઓક્સફર્ડ યુનિ. દ્વારા માનદ પદવી

Wednesday 03rd July 2019 03:08 EDT
 
 

લંડનઃ પાકિસ્તાનના જાણીતા ગાયક ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાનને વિશ્વ વિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ મ્યુઝિકની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. આ અંગેનો પ્રતિષ્ઠિત સમારોહ ૨૬ જૂનને બુધવારે ઓક્સફર્ડમાં યોજાયો હતો. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ અગાઉ એક પ્રતિષ્ઠિત મ્યુઝિક હોલને ઉસ્તાદના નામ સાથે સાંકળી રાહત ફતેહ અલી ખાનના કાર્યની કદર કરી છે.

મશહૂર કવ્વાલી ગાયક ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાને જણાવ્યું હતું કે, ‘વિશ્વની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા દ્વારા આ ડિગ્રી મેળવીને હું ખૂબ સન્માનની લાગણી અનુભવું છું. આજનો દિવસ મારા અને મારા પરિવાર માટે જ નહિ પરંતુ, મારી આ સંગીતયાત્રામાં મારી સાથે રહેલા મારા પ્રશંસકો માટે પણ વિશેષ છે. આ સન્માન મારા માટે ખૂબ મોટી સિદ્ધિ છે. મારા સંગીતે મને આ અકલ્પનીય ઊંચાઈએ પહોંચાડ્યો છે તેનાથી હું ખૂબ ખુશ છું.’

ઉસ્તાદ ખાને ડોક્ટરેટની માનદ પદવી મેળવ્યા બાદ ગુરુવાર, ૨૭મી જૂને ઓક્સફર્ડ ટાઉનહોલમાં કવ્વાલીનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમાંથી મળેલા નફાની રકમનો ઉપયોગ ફેકલ્ટી ઓફ મ્યુઝિક્સ સાઉન્ડ્સ ઓફ સાઉથ એશિયા સીરિઝને આગળ વધારવા માટે કરાશે. ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાન સંગીતક્ષેત્રે તેમના પરિવારના ૬૦૦ કરતાં વધુ વર્ષ જૂના સૂફી, લોકગીત અને કવ્વાલી સંગીતના સમૃદ્ધ સાંસ્કૃતિક ઈતિહાસને આગળ ધપાવી રહ્યા છે. રાહત ફતેહ અલી ખાન તેમના કાકા ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાને કવ્વાલીને પ્રસિદ્ધ બનાવી હતી.

તાજેતરમાં તેમણે ઘણાં વૈશ્વિક પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યા હતા. તેમણે બકિંગહામ પેલેસ ખાતે બ્રિટિશ શાહી પરિવાર માટે કાર્યક્રમ રજૂ કરવા ઉપરાંત, નોબલ શાંતિ પારિતોષિક વિતરણ સમારોહમાં પણ પરફોર્મ કર્યું હતું. એક બિલિયનથી વધુ લોકોએ તેમના મ્યુઝિક વીડિયો જોયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter