લંડનઃ સરકાર ઊંચો ક્રાઇમ રેટ ધરાવતા માઇગ્રન્ટ્સના દેશોને લીગ ટેબલમાં દર્શાવવાની યોજના બનાવી રહી છે. આ યોજનાને ટોરીના વરિષ્ઠ સાંસદોનું સમર્થન હાંસલ થયું છે. આ યોજના અંતર્ગત ઇંગ્લેન્ડ અને વેલ્સમાં દરેક દેશના માઇગ્રન્ટ્સનો ક્રાઇમ રેટ દર વર્ષે જાહેર કરાશે. તે ઉપરાંત મિનિસ્ટરો છેલ્લા 12 મહિનામાં ઇંગ્લેન્ડ અને વેલ્સની અદાલતોમાં દોષી ઠરેલા દરેક માઇગ્રન્ટની રાષ્ટ્રીયતા, વિઝા સ્ટેટસ અને રાજ્યાશ્રયના સ્ટેટસ અંગેનો વિગતવાર રિપોર્ટ સંસદમાં રજૂ કરશે. આ પ્રકારના પગલાં અમેરિકાના કેટલાંક રાજ્યો અને ડેન્માર્ક દ્વારા લેવાયાં છે જેમાં કુવૈત, ટ્યુનિશિયા, લેબેનોન અને સોમાલિયાથી આવેલા માઇગ્રન્ટ્સમાં અપરાધનો દર સ્થાનિક નાગરિકો કરતાં ઘણો ઊંચો છે.
સરકારના ક્રિમિનલ જસ્ટિસ બિલમાં થઇ રહેલા સુધારા અંતર્ગત આ યોજનાનો અમલ કરાશે. તેના કારણે હોમ ઓફિસ ઊંચો ક્રાઇમ રેટ ધરાવતા માઇગ્રન્ટ્સના દેશોના લોકો માટે વિઝા અને દેશનિકાલની નીતિઓ વધુ આકરી બનાવી શકશે.
એમ માનવામાં આવે છે કે સરકારની મુખ્ય ચિંતા આ યોજનાના અમલની છે કારણ કે મિનિસ્ટરોને આ યોજના સામે વૈચારિક કોઇ વાંધો નથી. એક સરકારી સૂત્રે જણાવ્યું હતું કે, અમે આ સુધારાની ચોક્કસ સમીક્ષા કરીશું અને અમારા સહયોગીઓની સલાહ લઇશું. આ યોજના પૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિક દ્વારા તૈયાર કરાઇ હતી.
તે સમયે જેનરિકે જણાવ્યું હતું કે, આપણે સમસ્યાને સમજ્યા વિના આપણી ઇમિગ્રેશન સિસ્ટમને દુરસ્ત કરી શક્તાં નથી. યુકે અપરાધીઓની આયાત કરી રહ્યો છે તે મોટી ચિંતાનો વિષય છે. આપણે આ મામલે પારદર્શકતા વધારવી પડશે જેથી જનતા જાણે કે શું ચાલી રહ્યું છે અને તેને અનુસાર નીતિ તૈયાર કરી શકાય.
રાજ્યાશ્રયનો દાવો નહીં સ્વીકારાય તેવાને અન્ય દેશમાં ખસેડવાની ચેતવણી
લંડનઃ હોમ ઓફિસ દ્વારા છેલ્લા 15 દિવસમાં બ્રિટનની અસાયલમ સિસ્ટમ પર રહેલા સંખ્યાબંધ લોકોને ચેતવણી અપાઇ છે કે તેમને અન્ય કોઇ સુરક્ષિત દેશમાં ખસેડાશે. ઘણા મહિના અથવા વર્ષોથી બ્રિટનમાં વસવાટ કરતા અસાયલમ સિસ્ટમમાં રહેલા માઇગ્રન્ટ્સને ચેતવણી અપાઇ છે કે તેમના રાજ્યાશ્રયનો દાવો સ્વીકારવામાં નહીં આવે તો તેમને જે દેશ તેમને સ્વીકારવા તૈયાર હશે તેવા અન્ય સુરક્ષિત દેશમાં ખસેડવામાં આવી શકે છે.

