ઊન ગૂંથણીમાં આબેહૂબ રાજમહેલ ઉપસાવતા ૯૨ વર્ષનાં દાદીમા

Tuesday 27th July 2021 12:37 EDT
 
 

બ્રિટનના નોર્થફોર્કના રહેવાસી ૯૨ વર્ષીય દાદીમા માર્ગારેટ સીમેને રાજમહેલ અને રાજ પરિવારના સભ્યોની પ્રતિકૃતિ ઊનગૂંથણ દ્વારા તૈયાર કરીને બધાને રોમાંચિત કરી દીધા છે. તેમની આ ગૂંથણી એટલી શાનદાર છે કે નામદાર મહારાણી એલિઝાબેથ-દ્વિતીય આ કૃતિઓ નિહાળીને અભિભૂત થઇ ગયા છે. તેમણે પોતાના નોર્થફોર્ક સ્થિત નિવાસસ્થાને માર્ગારેટની આ શાનદાર ગૂંથણકળાનું પ્રદર્શન યોજ્યું છે, જે આગામી ૧૪ ઓક્ટોબર સુધી ચાલશે. આ કલાકૃતિ તૈયાર કરવા પાછળનો માર્ગારેટ દાદીનો ઉદ્દેશ બહુ ઉમદા છેઃ તેમણે આ ઊન ગૂંથણી નોર્થફોર્કની હોસ્પિટલો માટે ભંડોળ એકત્ર કરવા માટે કરી છે. તેઓ ઊનનું રોયલ રેસિડેન્સ બનાવવા માટે દિવસના ૧૫-૧૫ કલાક સુધી ગૂંથણ કર્યાં કરતા હતા. તેમનું ગૂંથણકામ બે વર્ષ ચાલ્યું હતું. નામદાર મહારાણી તેમણે બનાવેલી સેન્ડરિંગહામ પેલેસની કૃતિ નિહાળીને તો અભિભૂત થઇ ગયા હતા. સેન્ડરિંગહામ પેલેસનો સેન્ટરપીસ ૧૮ ફૂટ લાંબો છે. તેને જોતાં તો જાણે એમ જ લાગે છે કે તેમણે રીતસરનો ઊનનું મહાલય જ ઊભું કરી દીધું છે. ક્વિનના નોર્થફોર્ક ખાતેના નિવાસસ્થાને યોજાયેલા પ્રદર્શનમાં સેન્ડરિંગહામ પેલેસની કૃતિ પણ સામેલ છે. ઊનમાં ગૂંથાયેલા સેન્ડરિંગહામ મહેલમાં ક્વિન અને ડ્યુક ઓફ એડિનબર્ગની પણ પ્રતિકૃતિ છે. આ ઉપરાંત ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ અને તેમના બાળકો પણ સેન્ડરિંગહામ કૃતિમાં જોવા મળે છે. આ ઉપરાંત ક્વિન્સ એસ્ટેટ પણ આ સેન્ડરિંગહામમાં દર્શાવાઈ છે, તેમાં સેન્ટ મેરી મેગ્ડલીન ચર્ચનો સમાવેશ છે, જ્યાં રાજકુટુંબ દર વર્ષે ક્રિસમસ પર્વ મનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter