લંડનઃ ન્યૂપોર્ટ પેગનેલમાં બે ડૂબતા લોકોને બચાવવાના પ્રયાસમાં ગુજરાતી યુવક ઋષભ ઉપેન્દ્રભાઇ પટેલનું કરૂણ મોત થયું છે. 26 મેના રોજ ઋષભ અને પરિવાર ન્યૂપોર્ટ પેગનેલના બીચ પર પિકનિક માટે ગયા હતા. તે સમયે બે લોકો પાણીમાં ડૂબવા લાગતા તેમને બચાવવા ઋષભે પાણીમાં ઝંપલાવ્યું હતું. તેણે બંનેને બચાવી લીધા હતા પરંતુ અચાનક કાર્ડિયાક એરેસ્ટ આવતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. તેને તાત્કાલિક એક એમ્બ્યુલન્સ દ્વારા મિલ્ટન કીનેસ યુનિવર્સિટી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. ડોક્ટરોના અથાક પ્રયાસો છતાં તેને બચાવી શકાયો નહોતો.
ઋષભ પટેલ અમદાવાદ નજીકના પુન્ધ્રા ગામનો વતની હતો અને યુકેમાં પત્ની મિની પટેલ અને દોઢ વર્ષની દીકરી વૃમી સાથે રહેતો હતો. બે લોકોને જિંદગી બક્ષનાર ઋષભના અંગદાનના કારણે અન્ય 6 લોકોની જિંદગી પણ બચાવી લેવાઇ છે.
પરિવારને મદદ કરવા ક્રાઉડ ફંડિંગ શરૂ કરાયું છે અને 55 હજાર પાઉન્ડના ટાર્ગેટ સામે પ્રથમ દિવસે જ 34,507 પાઉન્ડ એકઠાં કરાયા હતા. આ તમામ રકમ ઋષભના પરિવારને અપાશે જેથી તેની પત્ની અને દીકરીને આર્થિક સંકટનો સામનો કરવો ન પડે.


