લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે ગુરુવારે એડવાન્સ્ડ બ્રિટિશ સ્ટાન્ડર્ડ (એબીએસ) ક્વોલિફિકેશન માટેની યોજનાઓની વિગતો જાહેર કરી જે ઇંગ્લેન્ડમાં એ-લેવલ અને ટી-લેવલના અભ્યાસક્રમોનું સ્થાન લેશે. એબીએસ અંતર્ગત તમામ સગીર વિદ્યાર્થીઓ 18 વર્ષની ઉંમર સુધી સારા આર્થિક નિર્ણય અને સાહિત્યનો અભ્યાસ કરશે જ્યારે કેટલાકને બિઝનેસ ઇંગ્લિશ શીખવવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રસ્તાવો પર મંતવ્યો આમંત્રિત કરાયાં છે અને તેમનો અમલ કરવામાં લગભગ 10 વર્ષનો સમય લાગશે.
વડાપ્રધાન સુનાક સિક્સ્થ ફોર્મ ક્વોલિફિકેશન્સમાં બદલાવ ઇચ્છે છે જેમાં દરેક વિદ્યાર્થીએ 3ના સ્થાને 5 વિષય એટલે કે 3 મેજર અને બે માઇનર વિષયનો અભ્યાસ કરવાનો રહેશે. દરેક વિદ્યાર્થીએ 18 વર્ષની ઉંમર સુધી ઇંગ્લિશ અને મેથ્સનો ફરજિયાત અભ્યાસ કરવો પડશે. મેજર વિષયમાં એ લેવલના 90 ટકા અને માઇનર વિષયમાં 50 ટકા અભ્યાસક્રમનો સમાવેશ કરાશે.
નવા કન્સલ્ટેશન ડોક્યુમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે દરેક વિદ્યાર્થીને અંગ્રેજી ભાષા અને મૂળબૂત ગણિતની સારી સમજ પ્રાપ્ત થવી જોઅએ જેથી જીવનમાં તેઓ તેનો ઉપયોગ કરી શકે. વિદ્યાર્થીઓ તેમના જીવનના ફાઇનાન્સિયલ નિર્ણયો સારી લીતે લઇ શકે અને મેથ્સનો ઉપયોગ કરીને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં સક્ષમ હોવા જોઇએ.


