લંડનઃ યુકે દ્વારા આયોજિત એઆઇ સેફ્ટી સમિટમાં ભાગ લેવા આવેલા ભારતના આઇટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે ભારતના અભિગમની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, એઆઇ અને ઇન્ટરનેટ જેવા પ્લેટફોર્મની સુરક્ષા અને વિશ્વસનિયતાની બાંયધરી મહત્વની છે. ચંદ્રશેખરે રેગ્યુલેટરી પગલાંઓ માટે ટેકનોલોજિકલ આવિષ્કારોને પરવાનગી આપવાના સંભવિત ભયસ્થાનો ઉજાગર કર્યાં હતાં.
ચંદ્રશેખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફેલાવાતી ખોટી માહિતી અને ઇન્ટરનેટના શસ્ત્રીકરણ સામે લડવા માટેના પડકારો મુદ્દે નવા માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, યૂઝર્સના નુકસાન પર ધ્યાન આપી શકાય તે માટે ઇન્ટરનેટ પ્લેટફોર્મ્સ પર વધુ જવાબદારી લાદવી જોઇએ.
સમિટમાં હાજર રહેલા વૈશ્વિક નેતાઓને સંબોધન કરતાં ચંદ્રશેખરે અનિયંત્રિત આવિષ્કારોના કારણે જે રીતે ઝેરી ઓનલાઇન વાતાવરણ સર્જાયું છે તેવી પાછલા દાયકાની ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું હતું કે એઆઇના સંદર્ભમાં પણ આપણે આગામી વર્ષોમાં આ માર્ગ પર આગળ વધવું જોઇએ નહીં.
એઆઇ સેફ્ટી કરારઃ ભારત સહિત 27 દેશ અને યુરોપિયન સંઘના હસ્તાક્ષર
યુકેમાં આયોજિત એઆઇ સેફ્ટી સમિટમાં વિશ્વના સૌપ્રથમ એઆઇ સેફ્ટી કરાર પર ભારત સહિતના 27 દેશો અને યુરોપિયન સંઘે હસ્તાક્ષર કર્યાં છે. આ કરાર અંતર્ગત તમામ દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા જોખમો સામે એકસાથે મળીને કામ કરવા સહમત થયાં છે. એક નિવેદનમાં યુકેની સરકારે જણાવ્યું હતું કે, આ કરારને બ્લેચલી કરાર તરીકે ઓળખાશે.


