લંડનઃ ભારત અને યુકેએ એઆઇ અને નેક્સ્ટ જનરેશન ટેલિકોમ્યુનિકેશન્સમાં સહકાર મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. નવી દિલ્હીમાં એઆઇ સમિટની સાથે સાથે ભારતના કોમ્યુનિકેશન્સ રાજ્ય મંત્રી પેમ્માસાની ચંદ્રશેખર અને યુકેના એઆઇ મિનિસ્ટર કનિષ્કા નારાયણ વચ્ચે મંત્રણા યોજાઇ હતી.
ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, ટેલિકોમ્યુનિકેશનના ભાવમાં એઆઇ કેન્દ્રસ્થાને રહેશે. ભારત અને યુકેની રિસર્ચ ક્ષમતાઓ સાથે મળીને એઆઇ નેટિવ નેટવર્ક્સમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડને આકાર આપવામાં મદદ કરી શકે છે. બંને દેશ ટેલિકોમ અને ડિજિટલ ફ્રોડ સામે સાથે મળીને લડવા એઆઇની મદદ લેવા તૈયાર થયાં હતાં.
એઆઇ સમિટમાં ભાગ લેવા પહોંચેલા યુકેના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે, ભારતના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં હાલ યુકેની 150 કંપની કામ કરી રહી છે. સફળ સમિટના આયોજન માટે લેમીએ ભારતને અભિનંદન પણ પાઠવ્યા હતા.
બંને દેશ વચ્ચે વધી રહેલા સહકારનો ઉલ્લેખ કરતા લેમીએ જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેનો વેપાર કરાર યુકેની કંપનીઓ માટે ભારતીય ટેલેન્ટને સ્પોન્સર કરવાનું સરળ બનાવી રહ્યો છે. તેના દ્વારા કુશળ કર્મચારીઓ યુકેમાં વિઝા એન્ટ્રી મેળવી શકે છે.
લેમીએ જણાવ્યું હતું કે, મુક્ત વેપાર કરારના કારણે યુકેની 150 કંપની આજે ભારતમાં એઆઇ સેક્ટરમાં 250 સંગઠનો સાથે મળીને કામ કરી રહી છે. હાલ આ તકો ઘણી નોંધપાત્ર છે.
એઆઇ ઇમ્પેક્ટ સમિટને સંબોધન કરતાં લેમીએ ભારત અને યુકે વચ્ચેના વેપાર કરારને ટેકનોલોજીમાં સહકાર માટેનો મજબૂત પાયો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ કરારને પગલે 25 બિલિયન પાઉન્ડનું મૂડીરોકાણ આવશે. એઆઇ અને ટેલેન્ટ મોબિલિટી બંને દેશ વચ્ચે વધી રહેલી ભાગીદારીના મુખ્ય સ્થંભ બની રહેશે.
લેમીએ જણાવ્યું હતું કે, આવનારો સમય એઆઇનો છે અને કેટલાક દેશ સ્વાયત્તતા અંગે ચિંતિત છે. ભારત અને યુકે વચ્ચે પરસ્પર વિશ્વાસના સંબંધ છે. એઆઇ ભવિષ્યના સંશોધનોનું પ્રતિનિધિત્વ કરે છે અને બંને દેશ લાંબાગાળાના વિશ્વાસના આધારે સહકાર વધારી શકે છે.


