એઆઇ અપનાવવા ભારત અને યુકે શ્રેષ્ઠ સ્થળઃ કનિષ્કા નારાયણ

ભારત અને યુકે એઆઇની અસામાન્ય આર્થિક તકો સુનિશ્ચિત કરવાનો એકસમાન અભિગમ ધરાવે છેઃ યુકેના એઆઇ મિનિસ્ટર

Tuesday 17th February 2026 09:57 EST
 
 

લંડનઃ ભારતમાં આયોજિત એઆઇ સમિટમાં ભાગ લેવા પહોંચેલા યુકેના એઆઇ મિનિસ્ટર કનિષ્કા નારાયણે જણાવ્યું હતું કે, ભલે અમેરિકા અને ચીનમાં મોટી એઆઇ લેબોરેટરીઓ મળી આવે પરંતુ એઆઇની સ્વીકૃતિ માટે વિશ્વમાં ભારત અને બ્રિટન શ્રેષ્ઠ સ્થળ છે.

મૂળ ભારતના બિહારમાં જન્મેલા અને વેલ્સના સાંસદ નારાયણ માને છે કે એઆઇ ટેકનોલોજી સર્વિસિઝ, હેલ્થ કેર અને લાઇફ સાયન્સિઝ સેક્ટરોમાં વ્યાપક લાભની સંભાવના ધરાવે છે. ભારત અને યુકે એઆઇની અસામાન્ય આર્થિક તકો સુનિશ્ચિત કરવાનો એકસમાન અભિગમ ધરાવે છે. અમેરિકા અને ચીનમાં ઘણી મોટી એઆઇ લેબ્સ આવેલી છે પરંતુ યુકે અને ભારત માટે એઆઇ અપનાવવા માટે વિશ્વના શ્રેષ્ઠ સ્થળ બનવાની તક છે. જરૂરી નથી કે એઆઇનું સંશોધન જ થાય.

નારાયણે જણાવ્યું હતું કે, યુકે અને ભારત સર્વિસિઝ અને હેલ્થકેર જેવા સેક્ટરોમાં એઆઇ અપનાવી શકે છે. ભારત વિશ્વની સૌથી મોટી વસતી અને રચનાત્મક હેલ્થકેર સેક્ટર ધરાવે છે. યુકે પાસે વિશ્વમાં નેતૃત્વ કરતું લાઇફ સાયન્સ સેક્ટર છે. બીજી મહત્વની વાત એ છે કે આપણે એઆઇમાં રિસર્ચ અને ડેવલપમેન્ટના આગામી તબક્કાને કેવી રીતે જોઇએ છીએ. ત્રીજી અને સૌથી મહત્વની બાબત જવાબદાર એઆઇને આકાર આપવાની છે. એઆઇ દરેક માટે કામ કરવું જોઇએ.

સમિટ એઆઇની સંપુર્ણ ક્ષમતાઓને સુનિશ્ચિત કરશેઃ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ડેવિડ લેમી

એઆઇ સમિટમાં ભાગ લેવા પહોંચેલા યુકેના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે, એઆઇની સંપુર્ણ સંભાવનાઓ, તકો અને લાભો મેળવવા માટે આપણે કેવી રીતે સાથે મળીને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને કામ કરી શકીએ તે આ સમિટ સુનિશ્ચિત કરશે. યુકેના ડિપાર્ટમેન્ટ ફોર સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેકનોલોજીએ જણાવ્યું હતું કે ભારત અને યુકે કુદરતી ટેક ભાગીદાર દેશો છે. ભારતની આઇટી કંપનીઓ સમગ્ર યુકેમાં કામગીરી વિસ્તારી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter