લંડનઃ પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સેક્ટરમાં જીતવા માટે આપણે અમેરિકા કે ચીન બનવાની જરૂર નથી. આજે અમેરિકા અને ચીન વચ્ચે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (એજીઆઇ)માં પહેલું કોણ આવે તેની હોડ ચાલી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, અમેરિકા અને ચીનમાંથી કોઇપણ આ સ્પર્ધામાં આગળ રહે ત્યારે અન્ય દેશોએ મૂક પ્રેક્ષક બનીને જોઇ રહેવું જોઇએ નહીં. તેમના અર્થતંત્રો અને સમુદાયો માટે એક વધુ એઆઇ સ્પર્ધા રાહ જોઇ રહી છે અને તે છે એવરીડે એઆઇ. તેમાં સમગ્ર દેશને એઆઇથી સજ્જ કરવો પડશે. જે દેશ સૌથી પહેલાં સજ્જ થશે તે એઆઇના મીઠાં ફળ ચાખશે અને તેના લાભ અંકે કરી લેશે.
સુનાકે જણાવ્યું હતું કે, એઆઇ સામાન્ય હેતૂઓ માટેની ટેકનોલોજી છે. તે અર્થતંત્રના દરેક પાસાને અસર કરે છે. જરૂરી નથી કે આ ટેકનોલોજી પહેલી કોણ વિકસાવે છે. જે દેશ આ ટેકનોલોજીને વ્યાપક રીતે અપનાવશે તે જ દેશને સૌથી વધુ લાભ થશે.
તેમણે જણાવ્યું હતું કે, દેશના નેતાઓએ ફક્ત સંશોધનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ નહીં પરંતુ અર્થતંત્રમાં વધુ ઉત્પાદકતા લાવી શકે તેવી જનરલ પરપઝ ટેકનોલોજીનું માળખું તૈયાર કરવા આગળ વધવું જોઇએ.


