લંડનઃ ભારતીય ટેકનોલોજી નિષ્ણાતો માટે આનંદના સમાચાર છે. યુકેની સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના વિદેશી નિષ્ણાતો માટે વિઝા નિયંત્રણો હળવા બનાવવાની તૈયારી કરી રહી છે. જેના પગલે ભારતના એઆઇ નિષ્ણાતોને પણ લાભ થવાની સંભાવના છે.
13 જાન્યુઆરીના રોજ સ્ટાર્મર સરકારે એઆઇ ઓપર્ચ્યુનિટી એક્શન પ્લાનની જાહેરાત કરી હતી. પ્લાન તૈયાર કરનાર મેટ ક્લિફોર્ડ ઇચ્છે છે કે વિશ્વની ટોચની એઆઇ સંસ્થાઓના સ્નાતકોને આકર્ષવા માટે ઇમિગ્રેશન સિસ્ટમમાં બદલાવ કરવા જોઇએ.
ક્લિફોર્ડના જણાવ્યા અનુસા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), યુએસની કાર્નેગી મેલ્લોન યુનિવર્સિટી સહિતની પ્રતિષ્ઠિત વિદેશી સંસ્થાઓ યુકેની હાઇ પોટેન્શિયલ ઇન્ડિવિડ્યુઅલ વિઝા સ્કીમમાં સામેલ નથી. સરકારે વિઝા વિકલ્પો સુધારવા માટે નવા પગલાં વિચારવા જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે, સરકારે વિઝા ફીમાં ઘટાડો કરવો જોઇએ અને વિદેશી નિષ્ણાતોને યુકેમાં સ્થાયી થવા માટે પ્રોત્સાહિત કરવા વિઝા પ્રક્રિયા સરળ બનાવવી જોઇએ.


