લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટે સ્પ્રિંગ બજેટમાં સિંગલ ટ્રાન્ઝેક્શનમાં એક કરતાં વધુ પ્રોપર્ટી ખરીદનારને અપાતી સ્ટેમ્પ ડ્યુટી રાહત નાબૂદ કરવા અને હાયર પ્રોપર્ટી કેપિટલ ગેઇન ટેક્સ 28 ટકાથી ઘટાડીને 24 ટકા કરવાની જાહેરાત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ટ્રાન્ઝેક્શન વધવાની સાથે સરકારની આવકમાં પણ વધારો થશે. જો કે પ્રોપર્ટી ગેઇન ટેક્સનો બેઝિક રેટ 18 ટકા પર યથાવત રખાયો છે.
સ્પ્રિંગ બજેટના દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું હતું કે, હાયર કેપિટલ ગેઇન ટેક્સમાં ઘટાડાના કારણે મકાન માલિકો અને એક કરતાં વધુ મકાન ધરાવતા માલિકો તેમની સંપત્તિ વેચવા પ્રોત્સાહિત થશે. તેના પગલે પહેલીવાર મકાન ખરીદવા ઇચ્છતા વધુ ગ્રાહકો ઉપલબ્ધ થશે. જોકે પ્રાઇવેટ રેસિડેન્સ રિલીફ યથાવત રહેશે તેનો અર્થ એ થયો કે મોટાભાગની રહેણાંક સંપત્તિના સોદામાં કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં.
ફર્નિશ્ડ હોલીડે લેટિંગ્સ (એફએચએલ) વ્યવસ્થા નાબૂદ કરાશે
સરકારે જાહેરાત કરી છે કે એરબીએનબી જેવી વ્યવસ્થાઓમાં કર રાહતો આપતી ફર્નિશ્ડ હોલીડે લેટિંગ્સ (એફએચએલ) વ્યવસ્થા નાબૂદ કરાશે. તે ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટી લેન્ડ ટેક્સમાંથી રાહત આપતી મલ્ટીપલ ડ્વેલિંગ રિલીફ પણ દૂર કરાશે. હાલ વર્ષમાં ઓછામાં ઓછા 210 દિવસ સુધી હોલીડે લેટિંગ્સ માટે ઉપલબ્ધ પ્રોપર્ટીઓ પર એફએચએલ રિડક્શન લાગુ કરાય છે. આ રાહતો દૂર કરાતાં સરકારી તિજોરીને પ્રતિ વર્ષ 245 મિલિયન પાઉન્ડનો લાભ થશે. મલ્ટીપલ ડ્વેલિંગ રિલીફ દૂર કરાતાં સરકારને પ્રતિ વર્ષ 385 મિલિયન પાઉન્ડની આવક થશે.


