લંડનઃ ગત મંગળવાર, ૧૦ સપ્ટેમ્બરે નાની બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ પાર કરી બ્રિટનમાં ઘૂસવાનો પ્રયાસ કરનારા ૮૬ માઈગ્રન્ટને બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા ઝડપી લેવાયા હતા. એક જ દિવસમાં આટલા ઘૂસણખોર પકડાવાનો આ વિક્રમ હોવાનું કહેવાય છે. આ જોખમી પ્રવાસ કરનારામાં બાળકોનો પણ સમાવેશ થાય છે. પકડી લેવાયા તે અગાઉ કેટલાક લોકો કાંઠા પર ઉતરી ગયા હતા. આ વર્ષમાં આ રીતે પકડાયેલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની સંખ્યા ૧,૦૦૦થી વધી ગઈ છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા ૧૦ સપ્ટેમ્બરની વહેલી સવારે ૨૩ વ્યક્તિ સાથેની બે બોટ્સ આંતરવામાં આવી હતી. તેમને પૂછપરછ માટે ઈમિગ્રેશન અધિકારીઓ પાસે ઈ જવાયા હતા. લગભગ બપોરે, કેન્ટના ડન્ગનેસ નજીક પકડાયેલી બોટમાં ૧૪ ઈરાની, ત્રણ ઈરાકી અને એક વિયેટનામી સહિત ૧૮ વ્યક્તિ હતી. આ જ ગાળામાં ચેનલમાં ઈરાની અને ઈથિયોપિઅનો સહિત ૨૩ વ્યકતિ સાથેની બોટ ઝડપાઈ હતી. બીજી તરફ, ઈરાની, ઈરાકી અને તુર્કના બે અલગ જૂથ દરિયામાં દેખાયા વિના ઈસ્ટ સસેક્સના કાંઠા પર પહોંચી શક્યા હતા. તેઓને પાછળથી અટકાયતમાં લેવાયા હતા.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ગત મહિને પેરિસમાં ફ્રેન્ચ ઈન્ટિરિયર મિનિસ્ટર ક્રિસ્ટોફર કાસ્ટનેર સાથેની મુલાકાત પછી ચેનલમાં થઈ માઈગ્રન્ટ્સની ગેરકાયદે અવરજવરનો તત્કાળ અંત લાવવાની સંયુક્ત કાર્યવાહી પર ભાર મૂક્યો હતો. પૂર્વ હોમ સેક્રેટરી સાજિદ જાવિદના કાળમાં આ કટોકટીનો અંત લાવવા લાખો પાઉન્ડની ફાળવણીની ખાતરી અપાઈ હતી.