લંડનઃ રેફરન્ડમના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે યુકે સ્ટેટેસ્ટિક્સ ઓથોરિટીના તાજા આંકડા અનુસાર ૨૦૦૪-૨૦૧૪ના દસકામાં યુરોપિયન યુનિયનમાંથી કુલ ૧.૯૫ મિલિયન ઈયુ નાગરિકો બ્રિટનમાં સ્થાયી થયાં છે. એટલે કે આ ગાળામાં સરેરાશ દૈનિક ૫૩૫ આયુ નાગરિક બ્રિટનમાં રહેવા આવતા હતા. જોકે, છેલ્લા બે વર્ષમાં મુક્ત હેરફેરના ઈયુના કાયદાનો વધુ ગેરલાભ લેવાતા આ આંકડા વધ્યા હોવાની ધારણા છે. બીજી તરફ, આ જ દસકામાં ૧.૪૯ મિલિયન નોન-ઈયુ નાગરિકો યુકેમાં સ્થાયી થયાં હતાં. સત્તાવાર આંકડા અનુસાર ૨૦૦૪ અગાઉના વિદેશી નાગરિકોનો સમાવેશ કરીએ તો યુકેમાં ૨.૯ મિલિયન ઈયુ નાગરિકો અને બાકીના વિશ્વના ૨.૪ મિલિયન નાગરિકો વસે છે.
પોલેન્ડ અને પૂર્વ સોવિયેત બ્લોકના અન્ય સાત દેશોને ૨૦૦૪માં ઈયુમાં સ્થાન અપાયા પછીના દસકામાં કુલ ૧.૯૫ મિલિયન ઈયુ નાગરિકો બ્રિટનમાં સ્થાયી થયાં છે. આની સાથે આ સમયગાળામાં યુકેમાં સ્થાયી થયેલાં નોન-ઈયુ દેશોનાં ૧.૪૯ મિલિયન લોકોને ઉમેરીએ તો એક દસકામાં દરિયાપારના કુલ ૩.૪૫ મિલિયન નાગરિકો બ્રિટનમાં સ્થાયી થયાં છે. વડા પ્રધાન ડેવિડ કેમરન સામે તેમના ઈમિગ્રેશન રેકોર્ડ અંગે સતત પ્રહારો થઈ રહ્યા છે ત્યારે બ્રેક્ઝિટ કેમ્પેઈનરો કહે છે કે આટલી મોટી સંખ્યામાં ઈમિગ્રન્ટ્સથી દેશની હોસ્પિટલો, શાળાઓ અને ટ્રાન્સપોર્ટ સહિતની જાહેર સેવાઓ પર ભારે બોજ પડ્યો છે.
લંડનમાં ૬૩૩,૦૦૦ ઈયુ નાગરિકોનો ધસારો
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા સૌપ્રથમ વખત એક દસકામાં પ્રદેશ અને લોકલ ઓથોરિટી અનુસાર વિદેશી વસ્તીમાં વધારાને વહેંચવામાં આવી છે. હજારો લોકો બ્રિટનના તેજીમાં રહેલા અર્થતંત્રનો ફાયદો ઉઠાવવા અને નોકરી શોધવા આવતા લંડનમાં ૬૩૩,૦૦૦ ઈયુ નાગરિકોનો ધસારો થયો હતો. સાઉથ ઈસ્ટમાં ૨૧૪,૦૦૦ તથા ઈસ્ટ ઈંગ્લેન્ડમાં ખેતી અને ફેક્ટરીમાં કામની વિપુલતાના લીધે ૧૬૮,૦૦૦ માઈગ્રન્ટ્સ આવ્યા હતા. કાઉન્સિલની દૃષ્ટિએ જોઈએ તો ઈસ્ટ લંડનની ગરીબ ન્યુહામ કાઉન્સિલમાં ૪૨,૦૦૦ ઈયુ નાગરિકોનો ધસારો થયો હતો, જે યુકેમાં સૌથી મોટો છે. આ ઉપરાંત, બર્મિંગહામ (૪૧,૦૦૦) નોર્થ વેસ્ટ લંડનની બ્રેન્ટ (૩૬,૦૦૦)નોર્થ લંડનના હેરિંગે (૩૪,૦૦૦)નો ક્રમ છે.


