લંડનઃ છેલ્લા એક દાયકામાં 300 કરતાં વધુ બ્રિટિશ રાજનેતાઓએ ધ્યાન ધરવાની તાલીમ હાંસલ કરી છે. હવે બ્રિટિશ સંસદમાં પણ મેડિટેશન માટે એક રૂમ અલગ ફાળવવાની માગ થઇ રહી છે. 120 જેટલા સાંસદ અને 180 કરતાં વધુ લોર્ડ્સ મેડિટેશનના અભ્યાસક્રમોમાં સામેલ થયાં છે. આ અભ્યાસક્રમો મૂળ બૌદ્ધ મેડિટેશન ટેકનિક આધારિત છે.
આંકડા દર્શાવે છે કે છેલ્લા એક દાયકાથી સાંસદ તરીકે સેવા આપી રહેલા દર 10 પૈકીના એક રાજનેતાએ સંસદીય સત્તાવાળા દ્વારા અપાતી મેડિટેશનની તાલીમ લીધી છે. પાર્લામેન્ટરી એસ્ટેટની અબજો પાઉન્ડના ખર્ચે મરામત કરવામાં આવનાર છે ત્યારે તેમાં મેડિટેશન માટે અલગ રૂમ ફાળવવાની માગ કરવામાં આવી રહી છે. છેલ્લા એક દાયકાથી રાજનેતાઓ પોર્ટકલિસ હાઉસના સ્ટાન્ડર્ડ મિટિંગ રૂમ્સ અને કમિટી રૂમ્સમાં મેડિટેશન કરતાં રહ્યાં છે.
કેનબેરા સ્થિત ઓસ્ટ્રેલિયાની સંસદમાં 1988થી મેડિટેશન માટે અલગ સ્થળની ફાળવણી કરાઇ છે. વેસ્ટમિન્સ્ટર પેલેસના 800 જેટલા કર્મચારીઓએ પણ મેડિટેશનના અભ્યાસક્રમોમાં ભાગ લીધો છે. ઘણા સાંસદો મેડિટેશનના કારણે તેમના જીવન પર થયેલી અસરોની તરફેણમાં બોલી ચૂક્યાં છે. તેઓ કહે છે કે મેડિટેશનના કારણે અમે અમારું ધ્યાન વધુ કેન્દ્રિત કરી શકીએ છીએ.

