એક પાઉન્ડનો નવો બારકોણીય સિક્કો

Monday 04th January 2016 05:55 EST
 
 

લંડનઃ બ્રિટિશરોને ૨૦૧૭માં એક પાઉન્ડનો ગોળાકાર નહિ, પરંતુ નવો બારકોણીય સિક્કો જોવા મળશે, જેની નકલ કરવી ઘણી મુશ્કેલ રહેશે. રોયલ મિન્ટ નવા સિક્કા દાખલ કરવાની તૈયારી કરી રહી છે. નવા સિક્કામાં એક બાજુ ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું ચિત્ર હશે, જ્યારે બીજી બાજુ ક્રાઉનથી જોડાયેલા યુકેના ચાર રાષ્ટ્રીય પ્રતીકો- ગુલાબ, લીક વનસ્પતિ, થિસલ અને શેમરોક-નો સમાવેશ થશે. વોલ્સાલના ૧૫ વર્ષીય તરુણે તૈયાર કરેલી ડિઝાઈન રાષ્ટ્રીય સ્પર્ધામાં જીતી હતી. નવા સિક્કાના પગલે દેશભરના વેન્ડિંગ મશીનોમાં પણ સુધારાવધારા કરવા પડશે. દર વર્ષે એક પાઉન્ડના ૨૦ લાખ જેટલા બનાવટી સિક્કાની ઓળખ કરાય છે અને ચલણમાંથી પાછા ખેંચવાની ફરજ પડે છે.

થોડાં દિવસો પહેલા જ સાઉથ વેલ્સમાં રોયલ મિન્ટે ૩૨ વર્ષ જૂની ડિઝાઈનના એક પાઉન્ડના છેલ્લા સિક્કા બજારમાં મૂકવા માટે તૈયાર કર્યા હતા. છેલ્લો સિક્કો યાદગીરી માટે રોયલ મિન્ટના મ્યુઝિયમમાં મોકલી અપાયો છે. પ્રિન્સ ચાર્લ્સે ૧૯૮૩ની ૨૧મી એપ્રિલે એક પાઉન્ડના આ ડિઝાઈનના સિક્કાનું ઉદ્ઘાટન કર્યું તે પછી કુલ ૨.૨ બિલિયન સિક્કાનું ઉત્પાદન કરાયું છે, જેમાંથી ૧.૫ બિલિયન સિક્કા ચલણમાં છે અને બાકીના ખોવાયા છે, પરદેશગમન કરી ગયાં છે અથવા ૧૦૦૦ વર્ષ પુરાણી રોયલ મિન્ટમાં પાછાં મોકલાયાં છે.

બ્રિટનમાં વેન્ડિંગ મશીનોની વધેલી લોકપ્રિયતાના પગલે પાઉન્ડનો ગોળાકાર સિક્કો દાખલ કરાયો હતો. જોકે, તેની નકલ કરવી સહેલી હતી. આશરે ત્રણ ટકા અથવા ૪૭ મિલિયન પાઉન્ડની કિંમતના સિક્કા બનાવટી હોવાનું મનાય છે. સુરક્ષાના પગલારુપે ૨૦૧૭માં પોલીમર બેન્કનોટ્સ પણ દાખલ કરાશે, જેમાં વિન્સ્ટન ચર્ચિલ અને નવલકથાકાર જેન ઓસ્ટીનની મુખાકૃતિઓ સાથે અનુક્રમે પાંચ અને ૧૦ પાઉન્ડની નોટ્સનો સમાવેશ થાય છે. પોલીમર નોટનું ઉત્પાદન ૨૫ ટકા સસ્તુ પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter