લંડનઃ વ્યસન જીવન માટે કેટલું હાનિકારક છે તેની વાત એક વ્યસનીની જુબાનીએ જ સાંભળીએ. 16 વર્ષની વયથી વેપિંગના વ્યસનમાં સપડાયેલી 19 વર્ષીય બેલી મૂર કહે છે કે ઇ-સિગારેટે મારું જીવન બરબાદ કરી નાખ્યું છે. લેન્કેશાયરના બિકરસ્ટાફ ખાતે રહેતી બેલી મૂર કહે છે કે મારો વ્યસન પર કોઇ પ્રકારનો કન્ટ્રોલ રહ્યો નથી અને મને દર બે કલાક વેપની જરૂર પડે છે. જો મને વેપ ન મળે તો મારું શરીર ધ્રુજવા લાગે છે
બેલી કહે છે કે મારા કેટલાક કોલેજ મિત્રોના દબાણને કારણે મેં વેપિંગની શરૂઆત કરી હતી. હું મારા માતાથી સંતાઇને વેપિંગ કરતી હતી. મેં વેપિંગની આદતમાંથી છૂટકારો મેળવવા બે નિષ્ફળ પ્રયાસ કર્યાં છે પરંતુ હવે હું ઇ-સિગારેટની બંધાણી બની ગઇ છું. હું પ્રમાણિકપણે સ્વીકારું છું કે મારા વ્યસન પર મારું કોઇ નિયંત્રણ રહ્યું નથી.
બેલી કહે છે કે હું 16 વર્ષની હોવા છતાં શોપ ખાતેથી ઇ-સિગારેટ ખરીદી શક્તી હતી. મારી પાસે ક્યારેય ઓળખપત્રની માગ કરાઇ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં 18 વર્ષથી નાનાને ઇ-સિગારેટના વેચાણ પર પ્રતિબંધ છે.
બેલીની માતા કહે છે કે મારી દીકરી વેપિંગ કરે છે તેને હું ધિક્કારું છું. તેને આ વ્યસનમાંથી મુક્ત કરાવવાની તાતી જરૂર છે. મારી દીકરી વેપિંગની બંધાણી બની ગઇ છે. તેને વ્યસનમાંથી મુક્ત કરવી ઘણી અઘરી બાબત છે.
“હું મારી વાત બધાને જણાવવા માગુ છું જેથી મને જે પરેશાનીનો સામનો કરવો પડે છે તેમાંથી તેઓ બચી જાય. હું જાણું છું કે આ વ્યસનના કારણે હું કેટલો સંઘર્ષ કરી રહી છું. હું ખાંસી રહી છું અને વારંવાર બીમાર પડું છું. જે કોઇ મારી વયના લોકો વેપિંગ અને ઇ-સિગારેટનો ઉપયોગ શરૂ કરવા માગે છે તેમને મારી એક જ અપીલ છે કે આ વ્યસનમાં સપડાશો નહીં. પ્રમાણિકપણે કહું તો વેપિંગે મારી જિંદગી બરબાદ કરી નાખી છે.”: બેલી મૂર


