એક બ્લડ ટેસ્ટથી 50 પ્રકારના કેન્સરનું નિદાન

એનએચએસની મોટી સિદ્ધી, લક્ષણ ધરાવતા વ્યક્તિને કયા પ્રકારનું કેન્સર છે તે ફક્ત એક બ્લડ ટેસ્ટ દ્વારા જાણી શકાશે

Tuesday 06th June 2023 14:05 EDT
 
 

લંડનઃ એનએચએસ દ્વારા એક એવા પ્રકારનો બ્લડ ટેસ્ટ શોધી કઢાયો છે જેના દ્વારા 50 કરતાં વધુ પ્રકારના કેન્સરનું નિદાન થઇ શકશે. એક અભ્યાસ પ્રમાણે આ બ્લડ ટેસ્ટના કારણે એનએચએસમાં કેન્સરનું નિદાન પણ ઝડપી બનશે. અમેરિકામાં આયોજિત વિશ્વની સૌથી મોટી કેન્સર કોન્ફરન્સ ખાતે એનએચએસમાં કરાયેલી લિક્વિડ બાયોપ્સીના પરિણામ અને તારણો રજૂ કરાયાં હતાં. તેમાં જણાવવામાં આવ્યું છે કે ગેલ્લેરી બ્લડ ટેસ્ટની મદદથી કેન્સરના લક્ષણો ધરાવતા દર્દીમાં કેન્સર છે કે નહીં તેની તપાસ કરી શકાશે.

આ ટેસ્ટમાં લોહીમાં રહેલા કેન્સરની ગાંઠના સુક્ષ્મ ડીએનએ શોધી કાઢવાની ક્ષમતા છે. આ ટેસ્ટ દ્વારા ડોક્ટર જાણી શકશે કે દર્દીના શરીરમાં કેન્સર છે કે કેમ. તે ઉપરાંત શરીરના કયા અંગમાં કેન્સર છે તેની પણ આ ટેસ્ટ દ્વારા જાણ થશે.

મેડિકલ નિષ્ણાતોએ આ ટ્રાયલના પરિણામોને આવકાર્યાં છે પરંતુ સાથે એમ પણ જણાવ્યું છે કે કેલિફોર્નિયા કંપની ગ્રેઇલ દ્વારા તૈયાર કરાયેલા આ ટેસ્ટનો ઉપયોગ કરતાં પહેલાં તેમાં હજુ વધુ રિસર્ચની જરૂર છે જેથી તેને આરોગ્ય સેક્ટરમાં દાખલ કરી શકાય.

ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા આ સ્ટડીમાં કેન્સરની શંકા હોય તેવા જીપી દ્વારા હોસ્પિટલમાં રીફર કરાયેલા ઇંગ્લેન્ડ અને વેલ્સના 5461 દર્દીઓ પર અભ્યાસ કરાયો હતો. તેના પરિણામો અમેરિકાના શિકાગો ખાતે અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીની વાર્ષિક સભામાં રજૂ કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter