એક વર્ષમાં ગેરકાયદેસર નોકરી કરતા 6,400 કરતાં વધુ ઇમિગ્રન્ટ્સની ધરપકડ

સમગ્ર યુકેમાં 9,000 બિઝનેસ પર દરોડા પડાયાં, યુકેમાં ગેરકાયદેસર રીતે રહેતા 30,000ને દેશનિકાલ કરાયાઃ હોમ ઓફિસ

Tuesday 10th June 2025 11:39 EDT
 
 

લંડનઃ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સનું શોષણ કરતા નોકરીદાતાઓ પર પોલીસે ધોંસ વધારતા છેલ્લા એક વર્ષમાં ગેરકાયદેસર નોકરીઓ માટે કરાતી ધરપકડમાં મોટો વધારો થયો છે. સરકારે જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં સમગ્ર યુકેમાં બિઝનેસો પર પડાયેલા દરોડામાં 6400 કરતાં વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરાઇ છે. જે વર્ષ 2024ની સરખામણીમાં 51 ટકાનો વધારો દર્શાવે છે. જોકે તેમાંથી કેટલાની સામે આરોપ ઘડાયાં, કેટલાં દોષી ઠર્યાં અને કેટલાંને દેશનિકાલ કરાયાં તેના આંકડા સરકાર દ્વારા જારી કરાયાં નથી.

ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા છેલ્લા એક વર્ષમાં રેસ્ટોરન્ટ, નેઇલબાર, કન્સ્ટ્રક્શન સાઇટ સહિતના 9000 કરતાં વધુ બિઝનેસ પર દરોડા પડાયાં હતાં. આ પ્રકારના બિઝનેસો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નોકરી પર રાખી તેમનું શોષણ કરતાં હોય છે. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર ઘણી ઇન્ડસ્ટ્રીમાં માઇગ્રન્ટ વર્કર્સનું શોષણ થાય છે.

ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટના ડિરેક્ટર એડી મોન્ટગોમરીએ જણાવ્યું હતું કે, સ્મગલિંગ ગેંગો ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને યુકેમાં મુક્ત વસવાટ અને નોકરીનો ઝાંસો આપતા હોય છે. હકીકત તો એ છે કે તેઓ શોષણનો શિકાર બને છે. તેમને લઘુત્તમ વેતન પણ ચૂકવાતું નથી. દયનીય સ્થિતિમાં રહેવાની અને લાંબા કલાકો કામ કરવાની ફરજ પાડવામાં આવે છે.

બોર્ડર સિક્યુરિટી મિનિસ્ટર ડેમ એન્જેલા ઇગલે જણાવ્યું હતું કે, સરકાર આ પ્રકારના એમ્પ્લોયર્સ સામે કડક હાથે કામ લેવાનું ચાલુ રાખશે અને બોર્ડર સિક્યુરિટી પર જોખમ એવા ગેરકાયદેસર વર્કર્સ સામે પણ પગલાં લેશે. સરકારે છેલ્લા એક વર્ષમાં યુકેમાં વસવાટનો અધિકાર નહીં ધરાવતા 30,000 લોકોને દેશનિકાલ કર્યાં છે.

સ્કોટલેન્ડમાં ગેરકાયદે નોકરી કરતા 300થી વધુ ઇમિગ્રન્ટ્સ ઝડપાયાં

ગેરકાયદેસર નોકરી કરતા ઇમિગ્રન્ટ્સ સામે ચાલી રહેલી દેશવ્યાપી કાર્યવાહીમાં સ્કોટલેન્ડમં ગેરકાયદે નોકરી કરતા 300થી વધુ ઇમિગ્રન્ટ્સ ઝડપાયાં છે. જુલાઇ 2024થી અત્યાર સુધીમાં 469 બિઝનેસ પર પડાયેલા દરોડામાં 309 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરાઇ હતી. તેમાં મુખ્યત્વે ભારતીય, ઇરાકી, કોલમ્બિયન, સ્પેનિશ અને પોર્ટુગિઝ નાગરિકોનો સમાવેશ થાય છે.

મિડલેન્ડ્સમાં 1,500 દરોડા, 1,000થી વધુની ધરપકડ

વૂલ્વરહેમ્પટનમાં પોલીસની કાર્યવાહીમાં ઇમિગ્રેશન અપરાધની શંકાથી 13 લોકોની ધરપકડ કરાઇ હતી. તેમાંથી 3ની દેશનિકાલ માટે ધરપકડ કરાઇ હતી. અન્ય 10ને ઇમિગ્રેશન બેઇલ પર રખાયાં છે. મિડલેન્ડ્સમં ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા પડાયેલા 1500 દરોડામાં 1000 કરતાં વધુની ધરપકડ કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter