લંડનઃ ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવા માટે હોમ સેક્રેટરી શબાના માહમૂદ મોટા બદલાવની તૈયારી કરી રહ્યાં છે. જુલાઇ 2024માં સત્તામાં આવ્યા બાદ લેબર સરકાર અત્યાર સુધીમાં ક્રિમિનલ્સ સહિત 50,000 ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરી ચૂકી છે.
માહમૂદના પુરોગામી કૂપર દ્વારા યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સના આર્ટિકલ 3 અને 8ની સમીક્ષા હાથ ધરાઇ હતી. શબાના માહમૂદ પણ ઇસીએચઆર અને મોડર્ન સ્લેવરી એક્ટ્સમાં મોટા સુધારા લાવવાની તૈયારી કરી રહ્યાં છે. તે ઉપરાંત માહમૂદ ડેન્માર્કના આકરા ઇમિગ્રેશન નિયમો પણ લાગુ કરે તેવી સંભાવના છે.
માઇગ્રેશન મિનિસ્ટર માઇક ટેપે જણાવ્યું હતું કે, આપણે ઇસીએચઆરમાંથી બહાર થઇ શક્તાં નથી પરંતુ સરકાર તે ઘરઆંગણે કારગર પૂરવાર થાય તે માટે તેમાં સુધારા કરી શકે છે. અમે ગેરકાયદેસર માઇગ્રેશન અટકાવવા અમારાથી બનતા તમામ પ્રયાસ કરીશું. તેઓ આપણી લીગલ સિસ્ટમનો દુરુપયોગ આપણી જ વિરુદ્ધ કરી રહ્યાં છે જે અસ્વીકાર્ય છે.

