એક વર્ષમાં ૨૮૪,૦૦૦ ઈયુ માઈગ્રન્ટ્સનો નવો રેકોર્ડ

Saturday 03rd December 2016 04:32 EST
 
 

લંડનઃ યુરોપથી યુકેમાં આવતાં માઈગ્રન્ટ્સની સંખ્યાએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જુલાઈ સુધીના ૧૨ મહિનામાં ૨૮૪,૦૦૦ માઈગ્રન્ટ્સ યુકે આવ્યાં છે, જેમાંથી ૮૨,૦૦૦ લોકો નોકરીની શોધમાં આવ્યાં છે. રોમાનિયા અને બલ્ગેરિયાથી આવેલાં માઈગ્રન્ટ્સની સંખ્યા ૭૦,૦૦૦ હતી, જે ઓલ-ટાઈમ હાઈ છે. યુકેમાં આવનારા અને યુકેથી જનારા માઈગ્રન્ટ્સનો તફાવત ૧૮૯,૦૦૦ના આંકડે પહોંચ્યો છે, જે પણ નવો વિક્રમ છે. સમગ્ર વિશ્વમાંથી સમગ્રતયા ઈમિગ્રેશનનો આંકડો નવા ૬૫૦,૦૦૦ના વિક્રમે પહોંચ્યો છે. યુકે આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા જૂન૨૦૧૬ સુધીના વર્ષમાં ૩૦,૦૦૦ના ઘટાડા સાથે ૧૯૩,૦૦૦માંથી ૧૬૩,૦૦૦ના આંકડે પહોંચી છે.

બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે કોમન્સને જણાવ્યું હતું કે ટેરિફમુક્ત સિંગલ માર્કેટની સુવિધા જાળવી રાખવા બ્રિટને કદાચ ઈયુ છોડ્યા પછી પણ બ્રસેલ્સને બિલિયન્સ પાઉન્ડ ચુકવતા રહેવું પડશે. આના પરિણામે, દેશની સરહદો પર અંકુશ પાછો મેળવવા ઈયુ અને સિંગલ માર્કેટથી સંપૂર્ણ છેડો ફાડવાની માગણી પ્રબળ બની છે. જોકે, બ્રેક્ઝિટ સેક્રેટરીએ બિઝનેસ લીડર્સને હૈયાધારણ આપી છે કે શ્રમિકોની અછતને પહોંચી વળવા માઈગ્રન્ટ વર્કર્સની સંખ્યા વધારી શકાશે. તાજા આંકડા મુજબ •૧૫૦,૦૦૦ ઈયુ નાગરિકોએ આ વર્ષના ત્રણ મહિનામાં નેશનલ ઈન્સ્યુરન્સ નંબર્સ માટે અરજી કરી છે. • બ્રિટનમાં કાયમી વસવાટની મંજૂરી અપાયેલા ઈયુ નાગરિકોની સંખ્યા બમણી થઈ છે. • એક વર્ષમાં રાજ્યાશ્રય માગનારાની સંખ્યામાં ૧૪ ટકાનો વધારો થયો છે. આ આંકડાઓના કારણે નેટ માઈગ્રેશન તદ્દન તળિયે લાવવાના થેરેસા સરકારના નિર્ધારની યોગ્યતા સામે નવા પ્રશ્નો ખડા થયાં છે.

સપ્ટેમ્બર સુધીના એક વર્ષના ગાળામાં નેશનલ ઈન્સ્યુરન્સ રજિસ્ટ્રેશન્સની સંખ્યા ઈયુ નાગરિકો માટે ૬૨૯,૦૦૦ અને બિન-ઈયુ નાગરિકો માટે ૧૯૫,૦૦૦એ પહોંચી હતી. કુલ અરજદારોમાં રોમાનિયન અને બલ્ગેરિયનોની સંખ્યા ૨૨૭,૦૦૦ છે. સપ્ટેમ્બરના અંત સુધીના વર્ષમાં નવી નોકરીઓમાંથી લગભગ અડધી એટલે કે ૪૯ ટકા નોકરી ઈયુ દેશોના વર્કર્સે મેળવી છે. થિન્ક-ટેન્ક માઈગ્રેશનવોચ યુકેના આલ્પ મેહમતે જણાવ્યું હતું કે,‘જો નેટ માઈગ્રેશન વાર્ષિક ૨૬૫,૦૦૦ના આંકડે લાવી શકાય તો પણ આગામી ૧૦ વર્ષમાં બ્રિટનની વસ્તીમાં વાર્ષિક પાંચ લાખનો વધારો થતો રહેશે, જે પાંચ બર્મિંગહામની સમકક્ષ હશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter