લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન પકડાયેલા માદક દ્રવ્ય કોકેઈનનું પ્રમાણ ગત ૧૦ વર્ષની સરખામણીએ સૌથી વધુ રહ્યું છે. સત્તાવાળાઓએ ૨૦૧૫-૧૬માં ૪,૨૨૮ કિલો (૯,૩૨૧ રતલ) કોકેઈન જપ્ત કર્યું હતું, જે અગાઉના વર્ષની સરખામણીએ ૨૫ ટકાનો વધારો સૂચવે છે.
હોમ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર જપ્તીની સંખ્યામાં સમગ્રતયા ઘટાડો થયો હોવાં છતાં, પોલીસ અને બોર્ડર સત્તાવાળા દ્વારા જપ્ત કરાયેલા એ ક્લાસ ડ્રગ કોકેઈનનું પ્રમાણ ગત દાયકાથી વધુ સમયમાં સૌથી ઊંચા સ્તરે ગયું છે. હર્બલ કેનાબીસ (ગાંજા)નું જપ્ત કરાયેલું પ્રમાણ બમણાથી વધી ૩૦,૪૯૩ કિલો (૬૭,૨૨૬ રતલ) થયું હતું, જે ૨૦૦૮-૦૯ના ગાળા પછી સૌથી વધુ છે. જોકે, એક્સટેસી, હેરોઈન અને LSDનો જથ્થો ઓછો પકડાયો છે.
સમગ્રતયા ૨૦૧૫-૧૬માં ડ્રગ્સ જપ્તીની સંખ્યા માત્ર ૧૦ ટકા ઘટી ૧૪૮,૫૫૩ થઈ હતી. આ સતત ચોથા વર્ષે ઓછું વાર્ષિક પ્રમાણ રહ્યું છે. કેનાબીસ અને કોકેઈનની કુલ જપ્તીમાં અનુક્રમે ૧૨ ટકા અને એક ટકાનો ઘટાડો રહ્યો હતો. બીજી તરફ, ૨૦૧૫-૧૬માં પોલીસ દ્વારા નોંધાયેલા ડ્રગ્સ ગુનાઓમાં પણ ૧૩ ટકાનો ઘટાડો જણાયો હતો અને ૨૦૦૮-૦૯ના ગાળામાં નોંધાયેલા ગુના સૌથી વધુ રહ્યાં પછી ૩૯ ટકા ઘટાડો થયો છે.


