લંડનઃ રિમોટ વર્કિંગ અને બીમારીના સર્ટીફિકેટનો ઉપયોગ કરીને એક જ સમયે પાંચ ફુલ-ટાઇમ સરકારી નોકરીઓ કરવા બદલ એક સનદી અધિકારીને છેતરપિંડીના નવ આરોપો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં અગાઉ થયેલી સુનાવણી મુજબ, 55 વર્ષીય કાશિમ ચૌધરીએ સરકારી વિભાગો અને જાહેર સંસ્થાઓમાં એકસાથે અનેક હોદ્દા મેળવવા માટે પોતાની રોજગારીની સ્થિતિ અંગે ખોટી માહિતી આપી હતી.
પૂર્વ લંડનના વ્હાઇટચેપલ વિસ્તારમાં રહેતા ચૌધરીએ ફેબ્રુઆરી 2020થી સપ્ટેમ્બર 2023 દરમિયાન આઠ જેટલા નોકરીદાતાઓ પાસેથી આશરે 3.5 લાખ પાઉન્ડની કમાણી કરી હતી.
સિરિયસ ઇકોનોમિક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ ઇન્ટરનેશનલ ડિરેક્ટોરેટના વિશેષ ફરિયાદી સારાહ મેલોએ જણાવ્યું હતું કે, કાશિમ ચૌધરીએ ઇરાદાપૂર્વક પોતાની નોકરીઓની સાચી વિગતો છુપાવી હતી જેથી તે એક જ સમયે અનેક પૂર્ણ-સમયની નોકરીઓ મેળવી શકે અને તેનો પગાર લઈ શકે.


