લંડનઃ સરકારે લંડનના ટ્યુબ પ્રવાસીઓ માટે એક હાથ લે દુસરે હાથ દેની નીતિ અપનાવીછે. ચાન્સેલર રેચલ રીવ્ઝે સ્પેન્ડિંગ રીવ્યૂમાં ટ્રાન્સપોર્ટ ફોર લંડન માટે 2.2 બિલિયન પાઉન્ડની ફાળવણી કરી છે પરંતુ સાથે સાથે મેયર સાદિક ખાનને 2030 સુધીમાં ટ્યુબના ભાડાંમાં ફુગાવાના દરથી વધુનો વધારો કરવાની પણ સૂચના આપી છે.
સરકારે લંડનના મેયરને જણાવ્યું છે કે ટ્રાન્સપોર્ટ ફોર લંડનના ભાડાંમાં હાલના આરપીઆઇ 4.3 ટકા વત્તા એક ટકાના દરે 2026,2027,2028 અને 2029માં વધવા જોઇએ. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઇડી એલેકઝાન્ડરે સર સાદિક ખાનને લખેલા પત્રમાંથી આ વિગતો સામે આવી છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડનના ભાડાંમાં વધારાનો નિર્ણય મેયર દ્વારા લેવાતો હોય છે. એલેકઝાન્ડરે જણાવ્યું છે કે સરકાર દ્વારા કરાતું ફંડિંગ મેળવવા માટે મેયરે ભાડાંમાં વધારો કરવો પડશે.
માર્ચ 2025માં સર સાદિક ખાને ટીએફએલના ભાડાંમાં સરેરાશ 4.6 ટકાનો વધારો કર્યો હતો પરંતુ બસ ભાડાં 1.75 પાઉન્ડ પર યથાવત રાખ્યાં હતાં. 2026 માટેના નવા ભાડાંની જાહેરાત ક્રિસમસ પહેલાં કરાય તેવી સંભાવના છે.