લંડનઃ એકતરફ સ્ટાર્મર સરકાર બેનિફિટ્સમાં મોટાપાયે કાપ મૂકવાની જાહેરાત કરી ચૂકી છે તો બીજીતરફ આ વર્ષે સાંસદોના પગારમાં 2.8 ટકાનો વધારો કરવાની તૈયારી ચાલી રહી છે. જો આ વધારો અમલી બનશે તો સાંસદોના પગાર 94,000 પાઉન્ડ પર પહોંચી જશે.
ઇન્ડિપેન્ડન્ટ પાર્લામેન્ટરી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, આ પગાર વધારામાં સાંસદોની મહત્વની ભુમિકાનું પ્રતિબિંબ જોવા મળશે. એકતરફ એક મિલિયન જેટલાં વિકલાંગ તેમના બેનિફિટ્સ ગુમાવે તે માટે સાંસદો મતદાનની તૈયારી કરી રહ્યાં છે ત્યારે જ આ પગારવધારો આવી રહ્યો છે.
ટીકાકારો કહે છે કે સાંસદોનો પગાર વધારો કરદાતાઓ માટે કડવા ઘૂંટ સમાન હશે. સાંસદોને તેમની નિષ્ફળતાઓ માટે પણ મહેનાતાણું ચૂકવાશે.
જોકે ઓથોરિટી કહે છે કે સરકારનું આ પગલું જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટેના પગાર વધારાની ભલામણો અનુસાર જ રહેશે. નવી સંસદ રચાય ત્યારે પહેલા વર્ષે ઓથોરિટી દ્વારા સાંસદોના પગારની સમીક્ષા થતી હોય છે. ત્યારબાદ બાકીની મુદત માટે પગાર પર સાંસદોના મંતવ્ય લેવાય છે. આ પગાર વધારાના કારણે સાંસદોનો પગાર 91,346 પાઉન્ડથી વધીને 93,904 પાઉન્ડ પર પહોંચી જશે.
એકતરફ સરકાર વર્ષ 2030 સુધીમાં 5 બિલિયન પાઉન્ડની બચત કરવા કોમન્સમાં વિવિધ પ્રસ્તાવ લઇને આવી છે અને આગામી સમયમાં તેના પર મતદાન પણ થવાનું છે. બેનિફિટ્સમાં થઇ રહેલા બદલાવને ચેરિટી સંસ્થાઓ, ટ્રેડ યુનિયનો અને ડાબેરી વિચારધારા ધરાવતા લેબર સાંસદોએ અનૈતિક ગણાવ્યા છે.