એકાઉન્ટન્ટ ગીરીશ પટેલે ધંધામાં અંકુશ માટે માતાના વિલની ફોર્જરી કરી

Wednesday 22nd February 2017 05:28 EST
 
 

લંડનઃ જર, જમીન અને જોરૂં, ત્રણે કજિયાના છોરું કહેવત અમસ્તી નથી પડી. પરિવારોમાં જર એટલે નાણા કે મિલકતના કારણે વિખવાદ નવી બાબત નથી. મૂળ ગુજરાતી પરિવારના ૧૬૦ મિલિયન પાઉન્ડના સામ્રાજ્યમાં પોતાનો અંકુશ રહે તે માટે નોર્થ લંડનના હાઈગેટના ૬૫ વર્ષના એકાઉન્ટન્ટ ગીરીશભાઈ ડાહ્યાભાઈ પટેલે પોતાની મૃત માતા પ્રભાવતીબહેન ડાહ્યાભાઈ પટેલના વસિયતનામામાં બનાવટ કરી હોવાનું બહાર આવતા તેમના પર ફિટકાર વરસી રહ્યો છે. ગીરીશભાઈ પટેલે માતાએ સહી કરેલા એક કોરા કાગળનો દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી તેને વિલમાં સામેલ કરી દીધો હતો. જજે તેમને જૂઠાં વ્યક્તિ ગણાવ્યા હતા અને યશવંત પટેલને તમામ વારસો આપતા ૧૯૮૬ના વિલને કાયદેસર ગણાવ્યું હતું. ગીરીશ પટેલે તેમના ભાઈની અંદાજિત ૫૫૦,૦૦૦ પાઉન્ડ લીગલ કોસ્ટમાંથી ૪૫૦,૦૦૦ પાઉન્ડ આપવાની કબૂલાત કરી હતી. ગીરીશ પટેલે પોતાની અંદાજિત ૭૫૦,૦૦૦ પાઉન્ડની લીગલ કોસ્ટ ખુદ ભોગવવાની રહેશે

ગીરીશ પટેલના ભાઈ યશવંત પટેલે દાવો કર્યો હતો કે મલેશિયામાં પરિવારના પામ ઓઈલ પ્લાન્ટેશનમાં માતાનો ૪૦ મિલિયન પાઉન્ડનો હિસ્સો પોતાના નામે કરી લેવા ગીરીશભાઈએ માતાએ ૨૦૦૫માં વિલ બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે પરિવારના ૧૬૦ મિલિયન પાઉન્ડના સામ્રાજ્યમાં મલેશિયાનું પામ ઓઈલ પ્લાન્ટેશન વિશેષ સ્થાન ધરાવતું હતું. યશવંતે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે એકબીજાની ગેરહાજરીમાં પણ બિઝનેસ બરાબર ચાલતો રહે તે માટે કોરા કાગળો પર સહીઓ કરવાનો રિવાજ તેમના પરિવારમાં ચાલતો હતો.

જોકે, ગીરીશભાઈએ રજૂ કરેલા વિલ દસ્તાવેજના ઝીણવટભર્યા વિશ્લેષણમાં જણાયું હતું કે દસ્તાવેજના હાંસિયામાં માતાની અન્યત્ર કરેલી સહીની હળવી છાપ દેખાતી હતી. આનો અર્થ એ હતો કે માતાએ કેટલાંક કોરા કાગળો પર પોતાનું નામ લખી સહી કરી હતી, જેની છાપ નીચેના કાગળો પર પડી હતી. નવા વિલના ફોરેન્સિક પરીક્ષણમાં સહી પર શાહી ફેલાયાનું દેખાતું હતુ પરંતુ નીચેના કાગળમાં આવું ન હતું. આથી, લખાણ પાછળથી ઉમેરાયાનું સ્પષ્ટ થતું હતું.

લંડન હાઈ કોર્ટમાં જજ એન્ડ્રયુ સિમન્ડ્સ QCને વિલ બનાવટી જણાયું હતું. આના કારણે ન્યુકેસલમાં ભણેલા ૬૯ વર્ષીય ડોક્ટર યશવંત પટેલના નામે પોતાનો તમામ હિસ્સો વારસામાં આપતા પ્રભાવતીબહેનનાં જૂના ૧૯૮૬ના વિલને કાયદેસરતા મળી હતી. જજે જણાવ્યું હતું કે,‘ પ્રોફેશનલ અને બિઝનેસ સિદ્ધિઓ હાંસલ કરવા છતાં ગીરીશ માટે સત્ય એટલે જે તે બાબતને પોતાના હિતો અને જરૂરિયાત મુજબ રાખવાનો જ હતો. પટેલ દ્વારા અવિશ્વસનીય પૂરાવો રજૂ કરાયા સિવાય વિલ પર કેવી રીતે સહી કરવામાં આવી તેનું સમર્થન મળતું નથી. તેમની માતાએ કદી ઉલ્લેખ કર્યો નથી કે અન્ય કાનૂની કાર્યવાહીમાં લાભ થઈ શકે તેવી પરિસ્થિતિઓમાં પણ ખુદ પટેલ તેના વિશે કશું બોલ્યા ન હતા. વિલ બનાવાયાનું કહેવાય છે તેના ૧૦ વર્ષ પછી છેક ૨૦૧૫માં રજૂ કરાયું ત્યાં સુધીના ગાળામાં તેનું અસ્તિત્વ દર્શાવતા કોઈ દસ્તાવેજી પૂરાવા પણ નથી.’ જજે જણાવ્યું હતું કે,‘ તેમના પૂરાવાઓની કોઈ ચર્ચા ન કરવાની સૂચના હોવાં છતાં ગીરીશ પટેલ અને તેમના કેટલાક સાક્ષીઓએ ટ્રાયલ અગાઉ તેમની જૂબાની સાતત્યપૂર્ણ રહે તેની ચર્ચા કરી હતી.’ તેમણે એમ પણ કહ્યું હતું કે,‘ગીરીશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને લવાદ તરીકે પણ કામગીરી બજાવે છે. મારા મતે સામાન્યપણે આવો સાક્ષી ભરોસાપાત્ર અને વિશ્વસનીય હોવાની અપેક્ષા રખાય પરંતુ, ગીરીશે જ તેઓ જૂઠાં હોવાની કબૂલાત કરી છે.’

ફિટઝ્રોય પાર્ક નજીક ખાનગી વૈભવી નિવાસમાં રહેતા ગીરીશ પટેલને ૨૦૦૯માં પોતાના કેટલાક કે બધા ભાઈઓ સાથે બનતું ન હતું. વિવિધ દેશોમાં બિઝનેસીસ પર અંકુશ મેળવવાના મુદ્દે લાંબી કાનૂની કાર્યવાહીઓ ચાલતી હતી. તેમની માતા પ્રભાવતીબહેનનું ૮૮ વર્ષની વયે ૨૦૧૧માં અવસાન થયું હતું. આ પછી કોર્ટમાં નવી દલીલો છેડાઈ હતી. ન્યૂ યોર્કમાં રહેતા ડોક્ટર યશવંત પટેલે ૧૯૮૬નું વિલ કોર્ટમાં રજૂ કર્યું હતું, જેમાં તમામ મિલકત યશવંતના નામે કરવામાં આવી હતી. આ દસ્તાવેજ માન્ય રખાયો હતો પરંતુ, ગીરીશ પટેલે માતા દ્વારા ૨૦૦૫માં તૈયાર કરાયેલું કહેવાતું વિલ રજૂ કરવા સાથે નવું યુદ્ધ છેડાયું હતું. આ કેસમાં ૬૩ વર્ષીય ભાઈ સુરેશ પટેલે મોટા ભાઈ યશવંતને સાથ આપ્યો હતો, જ્યારે સૌથી મોટા ૭૧ વર્ષીય રજનીકાન્ત પટેલ કોઈના પક્ષે રહ્યા ન હતા.

ગીરીશ પટેલે દાવો કર્યો હતો કે, તેમની માતા ૨૦૦૫માં તેમના સિંગાપોરના ઘેરથી લંડનની મુલાકાતે આવ્યાં ત્યારે તેમને નવું વિલ બનાવવાની સૂચના આપી હતી. તેમની ઈચ્છા મૃત્યુ પછી કેટલીક રકમ લંડનના એજવેરસ્થિત સ્વામીનારાયણ મંદિરને દાનમાં આપવાની હતી. નવું વિલ ગીરીશ પટેલની તરફેણમાં તૈયાર કરવાનું હતું, જેથી માતાની ઈચ્છાનુસાર વિવિધ ચેરિટીઝને દાન કરી શકાય. પ્રભાવતીબહેન વેસ્ટ લંડનના નોર્થ એક્ટનમાં ગીરીશ પટેલની ઓફિસે ગયાં હતાં અને વિલ પર સહી કરી હતી, જેનું ગુજરાતી ભાષાંતર ગીરીશ પટેલે સાક્ષીઓની હાજરીમાં કર્યુ હતું તેવી રજૂઆત કોર્ટમાં કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter