લંડનઃ 2023માં ડૂબી ગયેલી એક્ઝિઓમ કંપનીના સીઇઓ પ્રજ્ઞેશ મોઢવાડિયા અને તેમના સાથી સોલિસિટર શ્યામ મિસ્ત્રી પર ફ્રોડ, ફોર્જરી અને દસ્તાવેજો સાથે ચેડાંના આરોપ સીરિયસ ફ્રોડ ઓફિસ દ્વારા મૂકાયાં છે. આ બંને ઉપરાંત કંપનીના 3 સીનિયર કર્મચારીઓ પર ક્લાયન્ટના 60 મિલિયન પાઉન્ડના અયોગ્ય ઉપયોગના આરોપ મૂકાયા છે. એસએફઓ દ્વારા 15 મહિના પહેલાં આ મામલામાં તપાસ શરૂ કરાઇ હતી.
કંપનીના માલિક મોઢવાડિયા અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર મુહમ્મદ અલી પર હોદ્દાનો દુરુપયોગ કરીને ફ્રોડ આચરવાના બે આરોપ મૂકાયા છે. શ્યામ મિસ્ત્રી, ચીફ ટેકનોલોજી ઓફિસર રૂપેશ કારાવદરા, આઇટી વાઇસ પ્રેસિડેન્ટ જયેશ અંજારિયા પર પણ કાવતરામાં સામેલ હોવા અને દસ્તાવેજો સાથે ચેડાં કરવાના આરોપ મૂકાયાં છે.
આ તમામ પાંચ આરોપી પર ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને એસઆરએને ગેરમાર્ગે દોરવાનું કાવતરું ઘડવાના પણ આરોપ મૂકાયા છે. તેમને 15 જાન્યુઆરીના રોજ લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ અપાયો છે.
એસએફઓના ડિરેક્ટર નિક એફગ્રેવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એક્ઝિઓમ કંપનીના પતનના કારણે હજારો ક્લાયન્ટને મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો હતે અને સેંકડો લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. મારા કાર્યકાળના પ્રારંભે અમે કેસની તપાસ ઝડપી બનાવી હતી અને ફક્ત 15 મહિનામાં અમે તપાસ પુરી કરીને આરોપ ઘડી કાઢ્યાં છે.
એસએફઓ આ કૌભાંડ માટેના જવાબદારોની ઓળખ કરવા અને તેમની સામે કાયદાકીય પગલાં લેવા તપાસ કરી રહી છે. આ તપાસમાં મહત્વના આરોપીઓ પર મૂકાયેલા ગંભીર આરોપ એસએફઓને મળેલી મહત્વની સફળતા ગણાય છે.
ક્લાયન્ટ ફંડના દુરુપયોગના આરોપો બાદ એસઆરએ દ્વારા ઓક્ટોબર 2023માં કંપનીને બંધ કરી દેવાઇ હતી. ત્યારબાદ એસએફઓ દ્વારા કંપનીની કચેરીઓ પર સંખ્યાબંધ દરોડા પડાયાં હતાં અને ધરપકડો કરાઇ હતી. કંપની બંધ કરાઇ તે સમયે બર્મિંગહામ, લંડન અને માન્ચેસ્ટર સહિત દેશભરના શહેરોમાં તેની કચેરીઓ કાર્યરત હતી.


