એક્સટિંક્શન રિબેલિઅન ફરી મેદાનેઃ લંડનમાં બે સપ્તાહના દેખાવો

Wednesday 25th August 2021 04:52 EDT
 
 

લંડનઃ ક્લાઈમેટ કેમ્પેઈન ગ્રૂપ એક્સટિંક્શન રિબેલિઅને (XR) સરકાર ફોસિલ ફ્યૂલમાં વધારે ઈન્વેસ્ટમેન્ટ કરવાનું બંધ કરેની માગણી સાથે લંડનમાં સોમવારથી બે સપ્તાહના ‘ઈમ્પોસિબલ રિબેલિઅન’ નામે વિરોધદેખાવોનો આરંભ કર્યો છે. ગ્રૂપે ૨૦૧૯માં પણ આ પ્રકારના દેખાવો યોજ્યા હતા. કેમ્પેઈન ગ્રૂપને હજારો લોકો ક્લાઈમેટ અને પર્યાવરણીય કટોકટીના મૂળ કારણને લક્ષ બનાવી આ દેખાવોમાં ભાગ લેશે તેવી ધારણા છે. પોલીસે મંગળવારના દેખાવો દરમિયાન વિવિધ અપરાધો બદલ ૫૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

ગ્રૂપના કાર્યકરો પાંચમા સામૂહિક વિરોધ પ્રદર્શન માટે સોમવાર ૨૩ ઓગસ્ટની સવારે ટ્રફાલ્ગર સ્ક્વેરમાં એકત્ર થયા હતા. ગ્રૂપના સહસ્થાપક ગેઈલ બ્રેડબ્રૂકે ક્લાઈમેટ ચેઈન્જથી અસરગ્રસ્ત દેશો સાથે એકતા દર્શાવતું સંબોધન કર્યું હતું. કેમ્પેઈનર્સે ‘કોડ રેડ, વ્હેર ઈઝ ધ એક્શન’ સહિત વિવિધ સંદેશા ધરાવતા પ્લેકાર્ડ્સ ફરકાવ્યા હતા. ચાર લોકોએ સમુદ્ર તરીકેનો વેશ ધારણ કરી મહાસાગરોની વધતી સપાટી વિશે ચેતવણી આપી હતી. HMRC ઓફિસીસની બહાર વ્હાઈટહોલ પાસે, પાર્લામેન્ટ અને ડાઉનિંગ સ્ટ્રીટની નજીક હજારો દેખાવકારો ઉમટી પડ્યા હતા. કેમ્પેઈન ગ્રૂપે મેરીલિબોન અને લંડન બ્રિજનો વ્યવહાર અટકાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે સોમવારે આઠ અને રવિવારે ૧૦ લોકોની ધરપકડ કરી હતી. સેન્ટ જેમ્સ પાર્ક અને પિકાડેલી સર્કસ ઉપરાંત, નોર્થ અને સાઉથ લંડનમાં પણ દેખાવો યોજાવાની ધારણા છે.

એક્સટિંક્શન રિબેલિઅને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ‘ક્લાઈમેટ અને પર્યાવરણીય કટોકટીના મૂળ કારણ પોલિટિકલ ઈકોનોમીને લક્ષ્ય બનાવી સિટી ઓફ લંડનને ખોરવી નાખવાની યોજના સાથે ફરીથી શેરીઓમાં ઉતરશે.’ સરકાર ફોસિલ ફ્યૂલમાં નવા તમામ ઈન્વેસ્ટમેન્ટ્સ બંધ કરવા તૈયાર નહિ થાય ત્યાં સુધી આ હંગામો ચાલુ રહેશે. એક્સટિંક્શન રિબેલિઅનને કોમેડિઅન સ્ટિફન ફ્રાય અને ગેમ ઓફ થ્રોન્સના અભિનેતા જેરોમ ફ્લીન સહિત સેલેબ્રિટીઝ તરફથી સમર્થન પ્રાપ્ત થયેલું છે. ફ્લીન સેન્ટ્રલ લંડનમાં ગિલ્ડહોલ બિલ્ડિંગ ખાતે રવિવારે આયોજિત દેખાવોમાં હાજર રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter