લંડનઃ એચએમ રેવન્યૂ એન્ડ કસ્ટમ્સ 6 મહિના માટે તેની સેલ્ફ એસેસમેન્ટ હેલ્પલાઇન બંધ કરવા જઇ રહી છે. જેના પગલે કરદાતાઓ ટેક્સ ઓથોરિટી સાથે ફોન પર વાતચીત નહીં કરી શકે. આ હેલ્પલાઇન દર વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે અને જે કરદાતાઓને તાકિદની જરૂર હશે તેમના માટે ઓક્ટોબરથી માર્ચ સુધી જ ખુલ્લી રહેશે. અન્ય તમામ કોલર્સને એચએમઆરસીની વેબ સર્વિસ પર મોકલી અપાશે. એચએમઆરસીની આ વેબ સેવા પ્રત્યે પ્રોફેશનલ્સ અને જનતામાં નારાજગી છે.
એચએમઆરસીએ જણાવ્યું હતું કે, આ બદલાવ 8 એપ્રિલથી અમલી બનશે. જેના કારણે એચએમઆરસીના હેલ્પલાઇન એડવાઇઝર્સ જ્યાં સૌથી વધુ જરૂર હશે ત્યાં સેવા આપી શકશે. વધી ગયેલા વર્કલોડને પહોંચી વળવામાં સક્ષમ ન હોવાના કારણે એચએમઆરસીએ ગયા વર્ષે ઘણીવાર સેલ્ફ એસેસમેન્ટ હેલ્પલાઇન બંધ કરવા ટ્રાયલો યોજી હતી.
એચએમઆરસીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે કરાયેલી સીઝનલ ટ્રાયલ સફળ રહી હતી અને જે કરદાતાઓ ઓનલાઇન સેવાઓનો લાભ લઇ શક્તા નહોતા તેઓ એકસ્ટ્રા સપોર્ટ ટીમો સાથે વાતચીત કરી શક્યાં હતાં.