લંડનઃ કન્ઝર્વેટિવ કોન્ફરન્સના ચોથા દિવસે સંબોધન કરતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, સરકાર હાઇ સ્પીડ રેલવે પ્રોજેક્ટ (એચએસટુ)ના બાકી રહેલા હિસ્સાને રદ કરશે, એ-લેવલને નાબુદ કરી 16-18 વર્ષના વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન સિસ્ટમમાં ધરમૂળથી બદલાવ લાવશે અને ધુમ્રપાન કરવાની લીગલ એજમાં તબક્કાવાર વધારો કરશે. સુનાકે જણાવ્યું હતું કે, એચએસટુ પરની સર્વસંમતિ હવે રહી નથી અને તેથી બદલાવ જરૂરી છે. સરકાર આ પ્રોજેક્ટ રદ કરીને તેના કારણે બચનારા નાણાનો ઉપયોગ વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વાપરશે.
બાકીનો એચએસટુ પ્રોજેક્ટ રદ
વડાપ્રધાને જાહેરાત કરી હતી કે બર્મિંગહામ અને માન્ચેસ્ટર વચ્ચે એચએસટુ પ્રોજેક્ટનું નિર્માણ કરાશે નહીં. તેના સ્થાને સંખ્યાબંધ પ્રોજેક્ટમાં નાણાનો ઉપયોગ કરાશે. ન્યૂ નેટવર્ક નોર્થ પ્રોજેક્ટ દ્વારા નોર્ધન મિડલેન્ડ્સના સંખ્યાબંધ ટાઉન અને સિટીને જોડાશે. એચએસટુ પ્રોજેક્ટના સ્થાને અન્ય સેંકડો પ્રોજેક્ટમાં 36 બિલિયન પાઉન્ડનું રોકાણ કરાશે જે અંતર્ગત મિડલેન્ડ્સમાં રેલ હબ તૈયાર કરાશે, માન્ચેસ્ટર અને લીવરપૂલને લિન્ક કરાશે તેમજ વેલ્સમાં રેલવે લાઇન અપગ્રેડ કરાશે. બર્મિંગહામ અને યુસ્ટન વચ્ચેનો એચએસટુ પ્રોજેકટ પૂરો કરીશે. નવો યુસ્ટન ડેવલપમેન્ટ ઝોન તૈયાર કરાશે જેમાં હજારો નવા ઘર અને રેલવે સ્ટેશનનું નિર્માણ થશે.
એ લેવલના સ્થાને નવી સિસ્ટમ લાગુ કરાશે
વડાપ્રધાને જાહેરાત કરી હતી કે એ-લેવલની પરીક્ષાના સ્થાને 16-18 વર્ષના વિદ્યાર્થીઓ માટે એડવાન્સ્ડ બ્રિટિશ સ્ટાન્ડર્ડ નામન નવી વ્યવસ્થા લવાશે. આપણા દેશની દિશા બદલવા માટે એજ્યુકેશન સિસ્ટમમાં આ સૌથી મોટો સુધારો બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે, અમે નવું જ્ઞાનથી ભરપૂર એડવાન્સ્ડ બ્રિટિશ સ્ટાન્ડર્ડ દાખલ કરીશું જે આપણી શાળાઓ માટે એ-લેવલ અને ટી-લેવલનો એક નવો અભ્યાસક્રમ લઇને આવશે. જેના કારણે એકેડેમિક અને ટેકનિકલ એજ્યુકેશનમાં રહેલી ખામીઓ દૂર કરી શકાશે. નવી વ્યવસ્થામાં આપણા વિદ્યાર્થીઓ 18 વર્ષ સુધી મેથ્સ અને ઇંગ્લિશનો અભ્યાસ કરશે. દરેક વિદ્યાર્થી શિક્ષક સાથે ઓછામાં ઓછા 195 કલાક શિક્ષણ મેળવશે અને હાલના 3 વિષયના સ્થાને પાંચ વિષયનો અભ્યાસ કરશે. શિક્ષકો માટે જાહેરાત કરતાં સુનાકે જણાવ્યું હતું કે, મહત્વના વિષય ભણાવતા શિક્ષકોને પ્રથમ પાંચ વર્ષમાં 30,000 પાઉન્ડ સુધીનું કરમુક્ત બોનસ અપાશે.
ધુમ્રપાન માટેની કાયદેસરની ઉંમર દર વર્ષે વધારાશે
વડાપ્રધાને જાહેરાત કરી હતી કે તેઓ એનએચએસ પર પડી રહેલા બોજાને હળવો કરવા માટે ધુમ્રપાનમાં ઘટાડો કરવા ઇચ્છએ છે. સિગારેટ ખરીદવાની કાયદેસરની ઉંમરમાં દર વર્ષે એક વર્ષનો વધારો કરાશે. સુનાકે જણાવ્યું હતું કે, હું દર વર્ષે સ્મોકિંગ એજમાં એક વર્ષનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકું છું. તેનો અર્થ એ થયો કે આજે 14 વર્ષનો હોય તેવા બાળકને ક્યારેય કાયદેસર રીતે સિગારેટનું વેચાણ થઇ શક્શે નહીં અને તેના પગલે તે તથા તેની આગામી પેઢીનો ઉછેર ધુમ્રપાનમુક્ત વાતાવરણમાં થશે.
ગંભીર પ્રકારના અપરાધોમાં સજા વધારાશે
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગંભીર અપરાધો કરનારાઓ માટે આકરી સજાઓની જોગવાઇ કરાશે. કેટલાક અપરાધો અત્યંત જધન્ય પ્રકારના હોય છે તેથી તેવા અપરાધીઓને આજીવન જેલના સળિયા પાછળ રાખવા જોઇએ. તેથી અમે એવો કાયદો લાવીશું જેના કારણે ગંભીર પ્રકારના અપરાધીઓ ક્યારેય જેલમાંથી બહાર આવી ન શકે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, પોલીસે કોઇપણ પ્રકારના અપરાધ અને અસામાજિક વર્તાવ સામે આકરી કાર્યવાહી કરવાની જરૂર છે. દરેક અપરાધની તપાસ થવી જોઇએ. સજામાં વધારાના કારણે આપણી સડકો વધુ સુરક્ષિત બનશે અને સમાજ વધુ સુરક્ષા અનુભવી શકશે.
વેલફેર રૂલ્સ કડક બનાવાશે
વધુ લોકો કામધંધો કરે તે માટે સરકાર વેલફેર સિસ્ટમના નિયમોમાં બદલાવ કરશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, સરકાર વર્ક કેપેસિટી એસેસમેન્ટ માટેના નિયમો કડક બનાવીને વેલફેર સિસ્ટમમાં સુધારા કરશે. જે લોકો કામકાજ કરી શક્તા નથી તેમનો બોજો કરદાતાઓ ઉઠાવે છે. 2011માં વર્ક કેપેબિલિટી એસેસમેન્ટમાં દર પાંચમાંથી એક જ વ્યક્તિ કામ કરવામાં અક્ષમ માલૂમ પડતો હતો. પરંતુ હવે આ આંકડો 65 ટકા પર પહોંચી ગયો છે. શું લોકો હવે 3 ગણા વધુ બીમાર થઇ ગયાં છે. ના એવું નથી. આ આપણા અર્થતંત્ર માટે પણ સારું નથી. કરદાતાઓ આ પ્રકારના લોકોનો બોજો ઉઠાવે તે અન્યાય છે. તેથી અમે આ સ્થિતિને બદલવા નિયમો સુધારીશું. જે લોકો કામ કરવામાં સક્ષમ છે તેમને કામ કરવું જ પડશે.


