લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં બુધવારે સંબોધન કરતાં પહેલાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, હાઇ સ્પીડ ટુ રેલવે નેટવર્ક પ્રોજેક્ટનો ખર્ચ તેના પ્રારંભિક ખર્ચ કરતાં ઘણો વધી ગયો છે અને તેમાં રોકાણ કરાયેલી રકમ પ્રચંડ બની રહી છે, વડાપ્રધાન બર્મિંગહામથી માન્ચેસ્ટરની હાઇ સ્પીડ ટુ રેલવે નેટવર્કની નોર્ધન લેગની યોજના પડતી મૂકવાની જાહેરાત કરે તેવી સંભાવના છે.
એક અખબારી મુલાકાતમાં સુનાકે પ્રોજેક્ટ પડતો મૂકાશે કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, મને આ યોજનાનો વિગતવાર અભ્યાસ કરવા મને સમયની જરૂર છે. જોકે વડાપ્રધાને આ યોજના પાછળ થઇ રહેલા ખર્ચને વખોડી કાઢ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, એ સ્પષ્ટ છે કે આ યોજના પાછળ થઇ રહેલો ખર્ચ કોઇની પણ કલ્પનાથી પરે છે. આ કરદાતાઓના નાણા છે અને આપણે તેના માટે યોગ્ય નિર્ણય લેવા પડશે.
એચએસટુના નોર્ધન લેગને રદ કરવામાં આવી રહ્યો છે તેવા અહેવાલોને પગલે રાજકીય વતૃળોમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. પૂર્વ ટોરી વડાપ્રધાનો બોરિસ જ્હોન્સન અને થેરેસા મે દ્વારા પણ આકરી ટીકા કરવામાં આવી રહી છે.
જોકે 10 ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ અહેવાલો સાચા નથી. એચએસટુના ફેઝ ટુ માટે હજુ સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવાયો નથી.

