એચડીએફસી બેંકમાં જિગર શાહની 'જનરલ કાઉન્સેલ-ડેઝિગ્નેટ' તરીકે નિમણૂક

Tuesday 07th July 2026 11:03 EDT
 
 

લંડનઃ ભારતની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંક દ્વારા લીગલ અને કમ્પ્લાયન્સ નેતૃત્વને વધુ મજબૂત કરવાના હેતુથી નાણાકીય સેવા ક્ષેત્રના અનુભવી નિષ્ણાત જિગર શાહની 'જનરલ કાઉન્સેલ-ડેઝિગ્નેટ' તરીકે નિમણૂક કરવામાં આવી છે.

બેંકના બોર્ડ દ્વારા ગવર્નન્સ, નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટીની ભલામણના આધારે આ નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. જિગર શાહ આગામી 20 ઓગસ્ટ, 2026થી જનરલ કાઉન્સેલ-ડેઝિગ્નેટ તરીકે એચડીએફસી બેંકમાં જોડાશે અને ત્યારબાદ 1 ઓક્ટોબર, 2026થી પૂર્ણકાલીન જનરલ કાઉન્સેલ તરીકેનો કાર્યભાર સંભાળશે. બેંકમાં જોડાયાની તારીખથી જ તેઓ બેંકની વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમનો હિસ્સો બનશે.

આ પૂર્વે જિગર શાહ વૈશ્વિક પ્રાઈવેટ ઈક્વિટી ક્ષેત્રની અગ્રણી કંપની 'કેકેઆર ઈન્ડિયા' ખાતે મેનેજિંગ ડિરેક્ટર અને હેડ ઓફ લીગલ એન્ડ કમ્પ્લાયન્સ તરીકે સેવાઓ આપી રહ્યા હતા. તેઓ બિઝનેસ લીડર અને ઈન્ડિયા લીડરશીપ ટીમના શિરોમણિ સભ્ય પણ હતા. 2018માં કેકેઆર સાથે જોડાયા પહેલાં તેઓ જેપીમોર્ગન ચેઝ બેંક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને લીગલ હેડ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે લંડન, હોંગકોંગ અને મુંબઈ ખાતે ડચ બેંકમાં પણ કોર્પોરેટ બેંકિંગ અને સિક્યોરિટીઝ લીગલના વડા તરીકે સેવાઓ આપી છે.

એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં બેંકે જણાવ્યું હતું કે, જિગર શાહ બેંકિંગ અને નાણાકીય સેવા ક્ષેત્રમાં કાનૂની, કોમ્પ્લાયન્સ, ગવર્નન્સ અને નિયમનકારી બાબતોમાં ત્રણ દાયકા કરતાં વધુનો બહોળો અનુભવ ધરાવે છે.

જિગર શાહે તેમની કાનૂની કારકિર્દીની શરૂઆત યુકેથી કરી હતી, જ્યાં તેમણે નાણાકીય ક્ષેત્રમાં કોર્પોરેટ કાનૂની સલાહકાર તરીકે જોડાતા પહેલાં લિંકલેટર્સ સહિતની આંતરરાષ્ટ્રીય લો-ફર્મ્સ સાથે કામ કર્યું હતું. તેમણે યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાંથી એલએલ.બી.ની પદવી મેળવી છે. તદુપરાંત, તેમણે ધ કોલેજ ઓફ લો, ગિલ્ડફોર્ડ ખાતેથી તેમની લો સોસાયટી ફાઇનલ્સ પૂર્ણ કરી છે અને તેઓ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સોલિસિટર તરીકે નોંધાયેલા છે.

એચડીએફસી બેંકના જણાવ્યા અનુસાર જિગર શાહ ભારતની અગ્રણી ઇન-હાઉસ લીગલ પ્રોફેશનલ્સની યાદીમાં સ્થાન ધરાવે છે અને તેમણે વિવિધ ઉદ્યોગ તેમજ નિયમનકારી પહેલોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિગર શાહ  સ્વ. ડી. આર. શાહ તથા ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબેન શાહના જ્યેષ્ઠ પુત્ર છે. જ્યોત્સનાબેન શાહ અગાઉ ઘણા વર્ષો સુધી ગુજરાત સમાચારના મેનેજિંગ એડિટર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે અને હાલમાં પણ તેઓ તેમના સંપાદકીય માર્ગદર્શન તેમજ સમર્પિત સેવાઓ દ્વારા સમાજમાં મહત્વપૂર્ણ પ્રદાન આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter