એડમ અથવા મોહમ્મદઃ નોકરી મેળવવાની કોને વધુ તક મળે?

Wednesday 15th February 2017 07:53 EST
 
 

લંડનઃ બીબીસીના ‘ઈનસાઈડ આઉટ લંડન’ પ્રોગ્રામ દ્વારા કરાયેલા એક પરીક્ષણમાં મુસ્લિમ નામ ધરાવતી વ્યક્તિની સરખામણીએ અંગેજી નામ ધરાવનારને ત્રણ ગણી સંખ્યામાં ઈન્ટરવ્યૂ ઓફર કરાયા હતા. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ ખાતે રીસર્ચ સેન્ટર ફોર સ્ટડી ઓફ એથનિસિટી એન્ડ સિટિઝનશિપના સંશોધન અનુસાર વ્હાઈટ ક્રિશ્ચિયન સમકક્ષોની સરખામણીએ મુસ્લિમ પુરુષોને નોકરીએ રખાવાની શક્યતા ૭૬ ટકા ઓછી હોય છે. અગાઉના અભ્યાસોમાં પણ નોકરી મુદ્દે પૂર્વગ્રહ જોવા મળ્યો હતો.

બીબીસીના પ્રોગ્રામ દ્વારા નોકરીની ૧૦૦ તક માટે એકસરખી કુશળતા અને અનુભવ ધરાવતા બે ઉમેદવાર ‘એડમ’ અને ‘મોહમ્મદ’ના સીવી મોકલવામાં આવ્યા હતા. એડમને ૧૨ ઈન્ટરવ્યૂ જ્યારે મોહમ્મદને ચાર ઈન્ટરવ્યૂ ઓફર કરાયા હતા. બનાવટી ઉમેદવારોએ લંડનમાં એડવર્ટાઈઝિંગ સેલ્સના સ્પર્ધાત્મક ક્ષેત્રમાં બિઝનેસ મેનેજર્સ તરીકે ૧૦૦ નોકરીઓ માટે અરજી કરી હતી. અઢી મહિના પછી મોહમ્મદની સરખામણીએ એડમને ઈન્ટરવ્યૂની ત્રણ ગણી ઓફર મળી હતી. જોબ્સની ચાર સાઈટ્સ પર બન્ને સીવી અપલોડ કરાયા હતા તેમાં પણ એડમનો ચાર અને મોહમ્મદનો બે રીક્રુટર્સે સંપર્ક કર્યો હતો.

બીબીસીના તારણોનું વિશ્લેષણ કરતા યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના પ્રોફેસર તારિક મોદૂદે જણાવ્યું હતું કે, ‘ત્રણમાંથી એક કેસમાં મુસ્લિમ જેવું નામ ધરાવતી વ્યક્તિને નોકરી માટે ઈન્ટરવ્યૂ મળવાની શક્યતા રહે છે. પ્રતિભા ઈચ્છતા લંડન જેવાં શહેર માટે આ ખરાબ છે.’ ૨૦૧૧ના સેન્સસ અનુસાર રાજધાની લંડનના ૮.૨ મિલિયન રહેવાસીમાંથી મુસ્લિમોની સંખ્યા એક મિલિયનથી વધુ છે. જોકે, મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન મુજબ અડધાથી વધુ મુસ્લિમ પરિવારો ગરીબ છે, જે અન્ય કોઈ સામાજિક જૂથ કરતા વધુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter