અમિત ક્ષત્રિયની નાસાના નવા એસોસિએટ એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્તિ
વોશિંગ્ટનઃ ભારતીય મૂળના અમેરિકન અમિત ક્ષત્રિયની નાસાના નવા એસોસિએટ એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્તિ કરાઇ છે. 20 વર્ષથી નાસા સાથે સંકળાયેલા અમિત ક્ષત્રિય હાલ વોશિંગ્ટન સ્થિત નાસાના હેડક્વાર્ટરમાં મૂન એન્ડ માર્સ પ્રોગ્રામના ડેપ્યુટી ઇનચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. એક્ટિંગ નાસા એડમિનિસ્ટ્રેટર સીન પી ડફીએ અમિતના નામની જાહેરાત કરી હતી. એસોસિએટ એડમિનિસ્ટ્રેટરનો હોદ્દો નાસાનો ટોચનો સિવિલ સર્વિસ હોદ્દો ગણાય છે. નાસાના ઇતિહાસમાં મિશન કન્ટ્રોલ ફ્લાઇટ ડિરેક્ટર તરીકે કામ કરનારા 100 વ્યક્તિમાં અમિતનો સમાવેશ થાય છે.
0000000000000000000000000000000
દુબઇમાં ટેકનિશિયન સંદીપ પ્રસાદને રૂપિયા 35 કરોડની લોટરી લાગી
અબુધાબીઃ દુબઇમાં કામ કરતા એક ભારતીયને 15 મિલિયન યુએઇ દિરહામ એટલે કે અંદાજિત 35 કરોડ રૂપિયાની લોટરી લાગતા માલામાલ થઇ ગયો હતો. મૂળ ઉત્તરપ્રદેશનો 30 વર્ષીય સંદીપકુમાર પ્રસાદ છેલ્લા 3 વર્ષથી દુબઇ ડ્રાયડોક્સમાં ટેકનિશિયન તરીકે કામ કરે છે. સંદીપે જણાવ્યું હતું કે, લોટરી જીતવાથી હું મારા પરિવારને વધુ સપોર્ટ કરી શકીશ અને ભારત પરત ફરી મારો પોતાનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છું છું. મારા જીવનમાં પહેલીવાર મને આટલી ખુશી મળી છે.
0000000000000000000000000000000
ફ્લોરિડામાં ગેમ્બલિંગ હાઉસ ચલાવતા બે ગુજરાતીની ધરપકડ
ફ્લોરિડાઃ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટની પોક કાઉન્ટીમાં ગેરકાયદેસર ગેમિંગ મશીન ચલાવતા સ્ટોર્સ પર શરૂ કરાયેલી દરોડાની કાર્યવાહીમાં બે ગુજરાતી સહિત 28ની ધરપકડ કરાઇ હતી. ધરપકડ કરાયેલ મયૂર જાની અમેરિકામાં ગેરકાયદેસર રહેતો હોવાથી તેને આઇસીઇની કસ્ટડીમાં મોકલાયો છે જ્યારે કૌશિક પટેલની ગેમ્બલિંગ હાઉસ ચલાવવાના આરોપસર ધરપકડ કરાઇ છે. આ અપરાધ અંતર્ગત તેને પાંચ વર્ષ સુધીની કેદ અને 50,000 ડોલરનો દંડ થઇ શકે છે.
0000000000000000000000000000000
ફ્લોરિડામાં દરિયામાં ડૂબી જવાથી ગુજરાતી યુવકનું મોત
ફ્લોરિડાઃ ફ્લોરિડાની મેનાટી કાઉન્ટીમાં રહેતા 20 વર્ષીય ગુજરાતી યુવક અભિજ્ઞાન પટેલનું દરિયામાં ડૂબી જવાથી મોત થયું હતું. અભિજ્ઞાન મિત્ર સાથે એન્ના મારિયા આઇલેન્ડ બીન પોઇન્ટ બીચ ખાતે ફરવા ગયો હતો. જ્યાં બંને નહાવા માટે દરિયામાં પડ્યા હતા. તે સમયે એક મોજું બંનેને ઊંડા પાણીમાં ખેંચી જતાં અભિજ્ઞાનનું મોત થયું હતું જ્યારે તેના મિત્રને બચાવી લેવાયો હતો.
0000000000000000000000000000000
ગુયાનામાં ભારતીય મૂળના ઇરફાન અલી સતત બીજી મુદત માટે પ્રમુખપદે ચૂંટાયા
ગુયાનાઃ ગુયાનામાં ભારતીય મૂળના ઇરફાન અલી સતત બીજી ટર્મ માટે પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા છે. તેમની પીપલ્સ પ્રોગ્રેસિવ પાર્ટીએ ગુયાનાના 10માંથી 8 ડિસ્ટ્રિક્ટમાં બહુમતી હાંસલ કરી હતી. ઇરફાન અલીનો જન્મ ઇન્ડો-ગુયાનિઝ પરિવારમાં થયો હતો. આ પરિવારના વડવાઓ 19મી સદીમાં ભારતથી ગુયાના આવ્યા હતા. 2023માં ભારત સરકારે ઇરફાન અલીને પ્રવાસી ભારતીય સન્માન એનાયત કર્યું હતું.
0000000000000000000000000000000
ફ્લોરિડામાં લાફિંગ ગેસ વેચવાના આરોપસર બે ગુજરાતીની ધરપકડ
ફ્લોરિડાઃ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના ગેઇન્સવિલમાંથી લાફિંગ ગેસ વેચવાના આરોપસર બે ગુજરાતીની ધરપકડ કરાઇ છે. અલાચુઆ કાઉન્ટી શેરિફ દ્વારા 24 વર્ષીય જૈનિષ પટેલ અને 22 વર્ષીય નિશા પટેલની 3 સપ્ટેમ્બરે ધરપકડ કરાઇ હતી. બંને પર 16 ગ્રામથી વધુ નાઇટ્રસ ઓક્સાઇડનો ડોઝ ધરાવતી પ્રોડક્ટ વેચવાનો આરોપ મૂકાયો હતો. બંનેનો અપરાધ ડિપોર્ટેબલ ક્રાઇમ કેટેગરીમાં આવે છે. જો બંને સ્ટેટસ વિના ફ્લોરિડામાં વસવાટ કરતા હશે તો તેમને ડિપોર્ટ કરાશે.
0000000000000000000000000000000
કેલિફોર્નિયામાં જાહેરમાં પેશાબ કરતા અટકાવવાનો પ્રયાસ કરનાર ભારતીયની હત્યા
લોસ એન્જલસઃ અમેરિકાના કેલિફોર્નિયામાં જાહેરમાં પેશાબ કરી રહેલા એક વ્યક્તિને અટકાવવાનો પ્રયાસ કરનાર 26 વર્ષીય ભારતીય યુવકની ગોળી મારી હત્યા કરાઇ હતી. ભારતના હરિયાણાના જિંદ જિલ્લાનો 26 વર્ષીય કપિલ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. ફરજ દરમિયાન તેણે એક વ્યક્તિને પ્રિમાઇસિસની બહાર જાહેરમાં પેશાબ કરી રહેલા એક વ્યક્તિને અટકાવતાં તે વ્યક્તિએ કપિલને ગોળી મારી દીધી હતી. કપિલ અઢી વર્ષ પહેલાં ડંકી રૂટથી અમેરિકા પહોંચ્યો હતો. આ માટે તેના પરિવારે 45 લાખ રૂપિયા એજન્ટને ચૂકવ્યા હતા.
0000000000000000000000000000000
હવે ગુજરાતી યુવતીએ ભારતીયોની ઇજ્જત ધૂળધાણી કરી
વોશિંગ્ટનઃ અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટના કેન્ટ સિટીમાં 15 જાન્યુઆરીના રોજ ટાર્ગેટ સ્ટોરમાં ચોરી કરતાં ઝડપાઇ ગયેલી ગુજરાતી યુવતીનો બોડીકેમ વીડિયો જાહેર થતાં ભારતીય સમુદાયની પ્રતિષ્ઠા ધૂળધાણી થઇ ગઇ છે. આ પહેલાં પણ અમેરિકાના શિકાગો નજીકના એક ટાઉનમાં આવેલા ટાર્ગેટ સ્ટોરમાં ચોરી કરતાં જિમિશા અલવાણી નામની ભારતીય મહિલા ઝડપાઇ હતી. વીડિયોમાં ગુજરાતી યુવતી ફફડી ગઇ હોય તેવો ડોળ કરતાં જોવા મળી હતી. પોલીસ પૂછપરછમાં તેણે ગુજરાતી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને ફરીવાર સ્ટોરમાં નહીં આવવાની ચેતવણી આપીને જવા દીધી હતી.