ટ્રમ્પ ટેરિફના કારણે અમેરિકાના ભારતીય બિઝનેસ ભીંસમાં મૂકાયાં
ન્યૂયોર્કઃ ભારતથી માલસામાનની આયાત કરતા અમેરિકાના ભારતીય બિઝનેસમેનો ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીય માલસામાન પર લદાયેલી 50 ટકા ટેરિફના કારણે ભીંસમાં આવી ગયાં છે. તેમનું કહેવું છે કે હવે અમારી પાસે ભાવ વધારો કર્યા સિવાય છૂટકો નથી પરંતુ તેના કારણે અમને અમારા ગ્રાહકો ગુમાવવાનો ડર છે. ટેરિફના કારણે જો અમે ભારતથી સામાન આયાત કરવાનું બંધ કરીશું તો અમારા બિઝનેસ યુનિક નહીં રહે. સધર્ન કેલિફોર્નિયામાં ઓલ ઈન્ડિયા કાફે નામની એક રેસ્ટોરાં ચેઈન ચલાવતા એક ઈન્ડિયન ફેમિલીએ જણાવ્યું હતું કે ટેરિફ ભલે 50 ટકા હોય પરંતુ ઈન્ડિયાથી આવતા મરીમસાલા તેમજ લીકરની કિંમત લગભગ ડબલ થઈ ચૂકી છે. ટેરિફને લીધે અમેરિકામાં ઈન્ડિયાથી આવતા કપડાં તેમજ બીજી વસ્તુઓ વેચતા લોકોના ગણિત ખોરવાઈ ગયા છે. કેલિફોર્નિયાના આર્ટેસિયામાં ઈન્ડિયન સાડી વેચતા હીરલ મહેતાએ જણાવ્યું હતું કે હાલમાં જ તેમણે 200 જેટલા બ્રાઈડલ આઉટફિટ્સ ઈન્ડિયાથી મગાવ્યા હતા જેના પર $62,000 ટેરિફ ચૂકવવો પડ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું હવે પોતાને એવો ડર લાગી રહ્યો છે કે ક્યાંક સ્ટોર જ બંધ કરવાની નોબત ના ઉભી થઈ જાય
-----------------------------------------------------------------------------------------------------------------
ટેક્સાસની તેજસ્વી મનોજ ટાઇમ કિડ ઓફ ધ યર 2025થી સન્માનિત
ડલ્લાસઃ ટેક્સાસની 17 વર્ષીય ભારતીય અમેરિકન તેજસ્વી મનોજને ટાઇમ્સ કિડ ઓફ ધ યર 2025 જાહેર કરાઇ છે. ઓનલાઇન સ્કેમથી સીનિયર સિટિઝન્સને રક્ષણ આપવા માટે તેણે કરેલી કામગીરી માટે આ સન્માન અપાયું છે. ભારતીય ઇમિગ્રન્ટ માતાપિતાનું સંતાન એવી તેજસ્વીનો જન્મ કેલિફોર્નિયામાં થયો હતો. તેના માતાપિતા સોફ્ટવેર એન્જિનિયર છે. સ્કાઉટિંગ અમેરિકામાં સક્રિય તેજસ્વીને તાજેતરમાં ઇગલ સ્કાઉટ રેન્ક પણ અપાયો હતો. કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતી તેજસ્વી એઆઇ અને સાયબર સિક્યુરિટી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેજસ્વી રેફ્યુજીઓને વિભા નામના સંગઠનના માધ્યમથી ગણિત અને ઇંગ્લિશનું ઓનલાઇન શિક્ષણ પણ આપે છે.
-----------------------------------------------------------------------------------------------------------------
ફેન્ટમ હેકર સ્કેમમાં વધુ એક ગુજરાતી કિશન પટેલને 46 મહિનાની કેદ
ઓહાયોઃ અમેરિકામાં ત્રણ ગુજરાતીઓ સહિત આઠ ભારતીય દ્વારા આચરવામાં આવેલા ચાર મિલિયન ડોલરના ફેન્ટમ હેકર સ્કેમમાં છેલ્લા આરોપી કિશન વિનાયક પટેલને ઓહાયોની કોર્ટ દ્વારા 46 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. કિશન અન્ય આરોપીઓ સાથે ઓહાયો, મિશિગન, ઈલીનોય અને ઈન્ડિયાનામાં થયેલા પાર્સલ કાંડમાં સામેલ હતો. તેને મની લોન્ડરિંગનું કાવતરૂં રચવાના આરોપમાં કોર્ટે સજા સંભળાવી છે, કિશન પહેલા અવી પટેલ અને હિરેન પટેલ નામના બે ગુજરાતીઓ પણ આ જ કાંડમાં જેલની સજા સંભળાવાઈ છે જેમાં 22 વર્ષના અવીને 33 મહિના જ્યારે 33 વર્ષના હિરેનને 39 મહિનાની જેલનો આદેશ કરાયો હતો. આ ત્રણ ગુજરાતીઓ સિવાય બાકીના જે કસૂરવારો હાલ જેલમાં છે તે તમામ સાઉથ ઈન્ડિયાના છે અને આ તમામની ઉંમર 22-30 વર્ષની વચ્ચે છે.
---------------------------------------------------------------------------------------------------------------
લોસ એન્જલસમાં કાઉન્ટી કર્મચારી ભાવિન પટેલની હેટ ક્રાઇમમાં ધરપકડ
લોસ એન્જલસઃ લોસ એન્જેલસ કાઉન્ટીમાં કામ કરતા ભાવિન પટેલ નામના એક 42 વર્ષીય ગુજરાતીની હેટ ક્રાઈમના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ભાવિન પર તેની સાથે કામ કરતા એશિયન વર્કરને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે. લોસ એન્જેલસ ડિસ્ટ્રિક્ટ એટર્ની નાથન હોચમેનના જણાવ્યા અનુસાર આરોપી ભાવિન પર ક્રિમિનલ થ્રેટ્સના ત્રણ ફેલોની ચાર્જ તેમજ સેકન્ડ ડિગ્રી બર્ગલરી અને વાયોલેશન ઓફ સિવિલ રાઈટ્સના ચાર્જ લગાવવામાં આવ્યા છે.
ઓફિસ ઓફ કાઉન્ટી કાઉન્સેલમાં કામ કરતા ભાવિન પટેલે કાઉન્ટી હોલ ઓફ એડમિનિસ્ટ્રેશનમાં છેલ્લા બે વીકમાં ત્રણ વાર ગેરકાયદે રીતે ઘૂસીને તેના કો-વર્કરની ડેસ્ક તેમજ આસપાસનાં ક્યુબિકલ્સમાં થ્રેટ નોટ્સ મૂકી હોવાનો તેના પર આરોપ છે, આ કરતૂત પાછળનો હેતુ તે જે વ્યક્તિને ટાર્ગેટ કરી રહ્યો હતો તેને ડરાવવાનો હતો, આ જ કારણે તેના પર બર્ગલરીનો ચાર્જ પણ લગાવાયો છે.
---------------------------------------------------------------------------------------------------------------------------
કમભાગી ડિંગુચા પરિવારને અમેરિકામાં ઘૂસવામાં મદદ કરનાર ફેનિલ પટેલની ધરપકડ
ટોરોન્ટોઃ 3 વર્ષ પહેલાં અમેરિકાની સરહદ પર મિનેસોટા ખાતે કાતિલ ઠંડીમાં થીજીને મૃત્યુ પામેલા મહેસાણાના ડિંગુચા પરિવારના સભ્યોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવામાં મદદ કરનારા ફેનિલ પટેલની ધરપકડ કરાઇ છે. કેનેડાના ન્યાય વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમેરિકાની પ્રત્યર્પણની અપીલ માન્ય રાખીને ફેનિલ પટેલને કસ્ટડીમાં લેવાયો છે. અગાઉ ભારતની પોલીસે આરોપ મૂક્યો હતો કે ડિંગુચા પરિવારને સરહદ પાર કરવામાં મદદ કરનાર બે વ્યક્તિમાં એક પટેલ વ્યક્તિ હતો. ડિંગુચા પરિવારને ફેનિલ પટેલને કોઇ સંબંધ નહોતો.