નોર્થ કેરોલિનામાં અનિલ કોચરે 176 વિદ્યાર્થીની એજ્યુકેશન લોન ભરપાઇ કરી
રાલેઃ અમેરિકાની નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીની વિલ્સન કોલેજ ઓફ ટેક્સટાઈલ્સના પદવીદાન સમારોહમાં ભારતીય મૂળ અમેરિકન સખાવતી અનિલ કોચર દ્વારા 176 સ્નાતકોની છેલ્લા વર્ષની તમામ એજ્યુકેશન લોન ચૂકવવાની જાહેરાત કરવામાં આવતા વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સમારોહમાં અનિલ કોચર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા. તેઓ આ જ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રકાશચંદ કોચરના પુત્ર છે. પિતાના પંજાબથી રાલે સુધીના સંઘર્ષપૂર્ણ પ્રવાસ અને તેમની સિદ્ધિઓને સન્માન આપવા માટે અનિલ કોચરે આ ઉમદા નિર્ણય લીધો હતો. આ જાહેરાત થતાની સાથે જ વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારોએ ઉભા થઈને કોચરનું અભિવાદન કર્યું હતું. કોચરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે તમે માત્ર ડિગ્રી લઈને જ નહીં, પરંતુ આર્થિક બોજ વગરના થઈને બહાર નીકળો. આ સ્વતંત્રતા તમને તમારા લક્ષ્યો હાંસલ કરવા, જોખમ લેવા અને એક શ્રેષ્ઠ જીવન બનાવવામાં મદદરૂપ થશે.
00000000000000000000000000000000
ICE દ્વારા બે ભારતીયોની ધરપકડ: એક પર બાળ શોષણનો પ્રયાસ, તો બીજા પર 60,000 ડોલરની ચોરીનો આરોપ
વોશિંગ્ટન: યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટએ તાજેતરમાં હાથ ધરેલા એક સર્ચ ઓપરેશન દરમિયાન બે ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાં હેમંત ખાન-કુમાર અને રિંકેશકુમાર કૌશિકભાઈ પટેલનો સમાવેશ થાય છે, જેઓ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. હેમંત ખાન-કુમારને પર કેલિફોર્નિયાની કોન્ટ્રા કોસ્ટા કાઉન્ટીમાં એક સગીર બાળક પર જાતીય સતામણી કરવાનો પ્રયાસ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. રિંકેશકુમાર પટેલ ટેનેસીની બ્રેડલી કાઉન્ટીમાં 60,000 ડોલરથી વધુની ચોરી કરવાના કાવતરામાં દોષિત સાબિત થયો હતો. તેને છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ એક વર્ષથી ઓછા સમયમાં તેની સજા સ્થગિત કરવામાં આવતા ICE એ તુરંત તેનો કબજો મેળવ્યો હતો.
00000000000000000000000000000000
ઓહાયો ગવર્નરપદની રેસમાં વિવેક રામાસ્વામીએ 50 મિલિયન ડોલરનું ફંડ એકઠું કર્યું
ઓહાયોઃ એક સમયે ડોનલ્ડ ટ્રમ્પના ખાસ ગણાતા અમેરિકન ઈન્ડિયન બિલિયોનેર વિવેક રામાસ્વામી ઓહાયોના ગવર્નર પદ માટે થનારી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર હશે. રામાસ્વામીએ પ્રાઈમરી જીતી લીધા બાદ હવે તેમની ટક્કર ડેમોક્રેટિક ઉમેદવાર ડૉ. એમી એક્ટન સાથે થવાની છે. 2026ના અંતમાં થનારી આ ચૂંટણીમાં બંને ઉમેદવારો પ્રચારમાં જંગી ખર્ચો કરે તેવી પણ પૂરી શક્યતા છે અને ફંડ ભેગું કરવામાં રામાસ્વામીનો હાથ ઉપર રહેવાના પૂરા ચાન્સ છે. વિવેક રામાસ્વામી અત્યારસુધીમાં 50 મિલિયન ડોલરનું ફંડ એકત્ર કરી ચૂક્યા છે જેમાં 25 મિલિયન ડોલર તેમના પોતાના છે જ્યારે તેમના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી અત્યારસુધીમાં 10 મિલિયન ડોલર ભેગા કરી શક્યા છે. જોકે, પૈસાની તકલીફ ભલે ના હોય પરંતુ રામાસ્વામીને પોતાના જ ભૂતકાળના કેટલાક વિવાદો અને નિવેદન નડી રહ્યા છે.
00000000000000000000000000000000
62 વર્ષીય ભારતીય અમેરિકન દેબાશિષ ઘોષની નાગરિકતા છીનવાશે
વોશિંગ્ટનઃ અમેરિકામાં વસતા 62 વર્ષીય ભારતીય મૂળના દેબાશિષ ઘોષ સામે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસએ નાગરિકત્વ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ઘોષ પર આરોપ છે કે તેમણે રોકાણકારો સાથે 2.5 મિલિયન ડોલરની છેતરપિંડી કરી હતી અને નાગરિકત્વ મેળવતી વખતે આ ગુનાહિત ઇતિહાસ અંગે સત્તાવાળાઓને ખોટી માહિતી આપી હતી. ઈલિનોઈસની કૂક કાઉન્ટીમાં રહેતા દેબાશિષ ઘોષે એરક્રાફ્ટ મેન્ટેનન્સ ફેસિલિટી બનાવવાના બહાને રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનું કાવતરું ઘડ્યું હતું. જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર 2012માં નાગરિકત્વ માટેના ઇન્ટરવ્યુ અને અરજી દરમિયાન ઘોષ ખોટું બોલ્યા હતા કે તેમણે ક્યારેય કોઈ એવો ગુનો કર્યો નથી જેના માટે તેમની ધરપકડ ન થઈ હોય. વાસ્તવમાં, તે સમયે તેઓ ગંભીર આર્થિક છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા હતા.
00000000000000000000000000000000
જ્યોર્જિયામાં હિટ એન્ડ રન કેસમાં બાળકનું મોત, રોહિત પટેલની ધરપકડ
લોરેન્સવિલઃ જ્યોર્જિયાના લોરેન્સવિલમાં થયેલા એક હિટ એન્ડ રનના કેસમાં રોહિત પટેલ નામના એક 67 વર્ષીય ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે. રોહિત પટેલ પર ફેલોની હિટ એન્ડ રન અને સેકન્ડ ડિગ્રી હોમિસાઈડનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. રોહિત પટેલ સ્નેલવિલમાં રહે છે અને તેમણે કરેલા અકસ્માતમાં ત્રણ વર્ષના એક બાળકનું મોત થઈ ગયું હતું આ અકસ્માત 26 એપ્રિલના રોજ વહેલી સવારે થયો હતો, પોલીસને તે વખતે ક્રોગન સ્ટ્રીટમાં આવેલા અપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાંથી ત્રણ વર્ષનું એક બાળક ગુમ થયું હોવાનો મેસેજ મળ્યો હતો. આ વિસ્તારમાં શોધખોળ કર્યા બાદ વિન્ડર હાઈવે પર સ્ટેનલી કોર્ટ નજીકથી એક બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું.
00000000000000000000000000000000
અમેરિકાની જેલમાંથી છૂટવા નીરવ પટેલે નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારની મદદ માગી
ઇલિનોઇસઃ અમેરિકામાં પાર્સલ કાંડમાં પકડાયેલા એક અમદાવાદીએ જેલમાંથી છૂટવા માટે પીએમ મોદીની મદદ માગી છે. નિરવ પટેલ નામના નારણપુરાના આ 44 વર્ષીય શખ્સને અમેરિકાની કોર્ટ દ્વારા 12 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હાલ તે ઈલીનોઇસના થોમ્સનમાં આવેલી જેલમાં બંધ છે. તેનો દાવો છે કે અમદાવાદમાં ફેક કોલ સેન્ટર ચલાવતા એક નજીકના જ સગાએ તેને ખોટી રીતે પાર્સલ કાંડમાં ફસાવી દીધો છે. નીરવ પટેલે એપ્રિલ 24ના રોજ પીએમ ઓફિસ, વિદેશ મંત્રાલય તેમજ ગુજરાત સરકારને પત્ર લખી પોતાને માનવતાના ધોરણે મદદ કરવા માટે અપીલ કરી હતી. અમેરિકામાં સિનીયર સિટીઝન્સ પાસેથી ગોલ્ડ અને કેશ પડાવતા પકડાયેલા નીરવને જૂન 2025માં 12 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.
00000000000000000000000000000000
ઓન્ટારિયોમાં 2 મિલિયન કેનેડિયન ડોલરના ગાંજાની ચોરી, પાંચ ભારતીયની ધરપકડ
ઓન્ટારિયોઃ કેનેડાના ઓન્ટારિયોમાં 2 મિલિયન કેનેડિયન ડોલરના કાયદેસરના ગાંજો ભરેલા ટ્રેલરની ચોરીના મામલે પોલીસે ભારતીય મૂળના પાંચ યુવાનોની ધરપકડ કરી છે. નાયગ્રામાંથી ચોરાયેલા ટ્રેલરમાં કાયદેસર રીતે વેચાણ માટે તૈયાર કરાયેલા ગાંજાના ઉત્પાદન હતાં અને તેમને ઓન્ટારિયોના વિવિધ લાઇસન્સ પ્રાપ્ત દવાખાનાઓમાં સપ્લાય કરવાના હતા. કેનેડામાં ગાંજાનું વેચાણ અને સેવન કાયદેસર હોવાથી આ એક મોટો વ્યાપારી જથ્થો હતો, જે ડિલિવરી થાય તે પહેલા જ લૂંટી લેવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા શંકાસ્પદોની ઓળખ મનવીર સિંહ (21), સરબજીત સિંહ (32), દિલખાબ સિંહ (21), જયસ્કવન માલ્હી (23) અને કરણ કુમાર (25) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, કરણ કુમાર હેમિલ્ટનનો રહેવાસી છે, જ્યારે અન્ય ચાર શંકાસ્પદો બ્રેમ્પટનના છે. પોલીસે પાંચેય આરોપીઓ સામે મિલકતની ચોરી, ચોરાયેલી મિલકતનો ગેરકાયદે કબજો રાખવો અને પ્રતિબંધિત હથિયારો રાખવા સહિતના કુલ 33 ગુનાઓ હેઠળ કેસ દાખલ કર્યો છે.
00000000000000000000000000000000
કેનેડામાંથી અપરાધોમાં સંડોવાયેલા 7 ભારતીય મૂળનાને દેશનિકાલ કરાયાં
ટોરન્ટોઃ કેનેડાની પોલીસે ખઁડણી સંબંધિત હિંસાના મામલામાં ભારતીય મૂળના 7 વ્યક્તિને દેશનિકાલ કરવાની યાદી જાહેર કરી છે. જોકે તેમાં 6 વ્યક્તિની અટક એકસમાન હોવાથી વિવાદ સર્જાયો છે. દેશનિકાલ કરાયેલા આ ભારતીયોમાં હંસપ્રીત સિંહ, હર્શદીપસિંહ, હરજોત સિંહ, તરનવીર સિંહ, લવબીર સિંહ, દયાજીત બિલિંગ અને પ્રભજોતસિંહનો સમાવેશ થાય છે. સરી પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ ખંડણી અને હિંસક ઘટનાઓમાં સામેલ હતાં.
00000000000000000000000000000000
કેનેડામાં વૃદ્ધ દંપતીની હત્યાના કેસમાં ભારતીય મૂળના ત્રણ યુવક દોષી
એબોટ્સફોર્ડ: કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં 2022માં એક વૃદ્ધ દંપતીના સનસનાટીભર્યા ડબલ મર્ડર કેસમાં કોર્ટે ભારતીય મૂળના ત્રણ શખ્સોને ફર્સ્ટ-ડિગ્રી મર્ડર માટે દોષિત ઠેરવ્યા છે. આરોપીઓએ લૂંટના ઈરાદે દંપતીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું સાબિત થયું છે. મે 2022માં 77 વર્ષીય આર્નોલ્ડ ડી જોંગ અને તેમના 76 વર્ષીય પત્ની જોએન ડી જોંગ એબોટ્સફોર્ડમાં આવેલા તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે હત્યારાઓએ અત્યંત નિર્દયતા દાખવી હતી. કોર્ટે ગુરકરણ સિંહ, અભિજીત સિંહ અને ખુશવીર તૂરને આ હત્યાકાંડમાં સમાન રીતે જવાબદાર ગણાવ્યા છે. કોર્ટે ત્રણેયને ફર્સ્ટ-ડિગ્રી મર્ડર માટે દોષિત જાહેર કર્યા છે, જે હેઠળ કેનેડાના કાયદા મુજબ આજીવન કેદની સજાની જોગવાઈ છે. સજાની સત્તાવાર જાહેરાત ૨૮ મેના રોજ કરવામાં આવશે.
00000000000000000000000000000000
હન્ટા વાયરસગ્રસ્ત ક્રુઝ શિપના બે ભારતીય ક્રુ મેમ્બરને નેધરલેન્ડ ખસેડાયાં
લંડનઃ આર્જેન્ટિનાથી રવાના થયેલા એમવી હોન્ડિયસ નામના ડચ ક્રુઝ શિપમાં હન્ટાવાયરસનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ જહાજમાં સવાર બે ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે નેધરલેન્ડ ખસેડવામાં આવ્યા છે. સ્પેન સ્થિત ભારતીય દૂતાવાસે રવિવારે પુષ્ટિ કરી હતી કે બંને ભારતીયો હાલ સ્વસ્થ છે અને તેમનામાં વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા અને સ્પેનિશ સત્તાવાળાઓ દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ મુજબ તમામ મુસાફરોને જહાજમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, સ્પેનિશ નેશનલ સેન્ટર ફોર ઇમરજન્સી મોનિટરિંગ એન્ડ કોઓર્ડિનેશનની માહિતી મુજબ, બંને ભારતીય નાગરિકોને નેધરલેન્ડ મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમને સ્વાસ્થ્ય સુરક્ષા પ્રોટોકોલ હેઠળ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.


